અા સ્ટ્રીટ લાઈટથી સાવધાન!

અમદાવાદ: શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થઇ ગઇ છે અને 24 કલાક ભેજવાળું વાતાવરણ પણ રહે છે તેવામાં શોર્ટસર્કિટ અને કરંટ લીક થવાની શક્યતાઓ વધી જાય છે. ખાસ કરીને ચોમાસામાં સ્ટ્રીટલાઇટના થાંભલાઓના ખુલ્લા વાયરો જોખમી બને છે. વરસાદમાં આવા ખુલ્લા વાયરોના કારણે કરંટ લાગવાથી લોકો મોતને ભેટ્યા હોવાના કિસ્સા પણ બન્યા છે.

શહેરમાં અજવાળું પાથરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં એક લાખ 40 હજાર સ્ટ્રીટ લાઇટ લગાવાઇ છે. આ સ્ટ્રીટ લાઇટ સાંજે સાડા સાત વાગ્યે ચાલુ થાય છે અને વહેલી સવારે સાડા પાંચ વાગ્યે બંધ થઇ જાય છે. વરસાદની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે હવે આ સ્ટ્રીટ લાઇટ શહેરીજનો માટે જોખમી સા‌િબત થાય તેવી શક્યતાઓ છે. શહેરના પશ્ચિમ ઝોન સહિતના તમામ વિસ્તારમાં આવેલી સ્ટ્રીટલાઇટના થાંભલામાં જંક્શન બોકસ ખુલ્લાં જોવા મળ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ સ્ટ્રીટ લાઇટમાં જંક્શન બોક્સ લગાવવામાં આવ્યાં છે, પરંતુ મોટા ભાગે આ જંક્શન બોક્સ ખુલ્લાં અને તૂટેલાં જોવા મળે છે, જેના કારણે વાયરો જંક્શન બોક્સની બહાર આવી ગયા છે, બે વાયરોને જોડતી વખતે ઇન્સ્યુલેશન પણ યોગ્ય રીતે કરાતું નથી.

ઉલ્લેખનીય છે કે શહેરમાં વરસાદ પડશે અને રોડ ઉપર પાણી ભરાશે ત્યારે સ્ટ્રીટ લાઇટ તથા સેક્શન પીલરમાં ખુલ્લા વાયરના કારણે શોર્ટસર્કિટ તથા કરંટ લીક થવાની શક્યતાઓ વધી જશે. શહેરમાં મુશળધાર વરસાદ પડે છે ત્યારે હેલ્મેટ સર્કલથી લઇને ગુરુકુળ સુધી બેથી ત્રણ ફૂટ સુધીનાં પાણી ભરાય છે, જેના કારણે મોડી સાંજે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થઇ જાય છે.  આવી સ્થિતિમાં જો સ્ટ્રીટલાઇટના વાયર ખુલ્લા હોય તો કરંટ આવવાની શક્યતાઓ વધી જાય છે.

સ્ટ્રીટલાઇટ બંધ હોય કે પછી વાયરો ખુલ્લા હોય તો શહેરીજનો ઓનલાઇન ફરિયાદ નોંધાવે છે અથવા કોર્પોરેશનના લાઇટ વિભાગના કંટ્રોલરૂમમાં ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવે છે. દરરોજ શહેરમાંથી સ્ટ્રીટલાઇટો બંધ હોવાની 700 કરતાં વધુ ફરિયાદ આવે છે, જોકે શહેરીજનો પણ જોખમી ખુલ્લા વાયરિંગ અંગે ઉદાસીન છે. આવી ફરિયાદ બહુ જૂજ લોકો કરે છે ત્યારે ખુલ્લા વાયર હોવાની નહીંવત્ પ્રમાણમાં ફરિયાદ આવે છે.

સ્ટ્રીટલાઇટના થાંભલાના મેન્ટેન કરવાનો કોન્ટ્રાન્ક્ટ સીટેલુમ કંપનીને આપ્યો છે, જે થાંભલા ચાલુ છે કે બંધ છે, સ્ટ્રીટલાઇટના થાંભલામાં આવેલા જંક્શન બોક્સ બદલવા તથા વાયરોને જોડતી વખતે ઇન્સ્યુલેશન પણ યોગ્ય રીતે કરાતું નથી. આ સિવાય સ્ટ્રીટલાઇટથી સેક્શન પીલર સુધી પસાર થતા વાયરમાં કરંટની વેલ્યૂ કેટલી છે તેની ચકાસણી પણ કરવામાં આવે છે. આ મુદ્દે લાઇટ વિભાગના આસિસ્ટન્ટ સિટી ઇજનેર વાય. યુ. પ્રભાકરે જણાવ્યું છે કે વરસાદમાં સ્ટ્રીટલાઇટના થાંભલાથી કોઇને કરંટ ના લાગે તે માટે અમે પૂરતું ધ્યાન રાખતા હોઇએ છે. શહેરમાં એક લાખ 40 હજાર સ્ટ્રીટલાઇટોમાં જ્યાં પણ જંક્શન ખુલ્લાં હોય ત્યાં નવાં જંક્શન બદલી નાખવાની કામગીરી ચાલુ છે. લોકો બંધ લાઇટની ફરિયાદો કરે છે પણ ખુલ્લા વાયરિંગની ફરિયાદ ભાગ્યે જ કરે છે.

પાલડી વિસ્તારમાં આવેલા ચંદ્રનગરમાં સ્ટ્રીટલાઇટનો થાંભલો છે, જેમાં લાઇટ તો નથી જ, પરંતુ વાયર ખુલ્લા જોવા મળ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ થાંભલો જૂનો છે, જેમાં જંક્શન બોક્સ તો નથી, પરંતુ થાંભલાની અંદર રહેલા વાયર બહાર આવી ગયા છે. આ થાંભલો લોકો માટે જોખમકારક સા‌િબત થઇ શકે છે ત્યારે બે વર્ષ પહેલાં રિવરફ્રન્ટ સ્ટ્રીટલાઇટ ચાલુ-બંધ કરવા માટેનું બોક્સ જ ખુલ્લું જોવા મળ્યું છે. વરસાદમાં રિવરફ્રન્ટની મજા લેવા માટે શહેરીજનો આવે છે ત્યારે આ પ્રકારના ખુલ્લા બોક્સથી કરંટ લાગવાની શક્યતાઓ વધી જાય છે.

You might also like