શેરી ફેરિયાઓના સર્વેની કામગીરી હાથ ધરાઈ

અમદાવાદ: અમદાવાદમાં દિન પ્રતિદિન વકરતી જતી ટ્રાફિક સમસ્યાના કારણે એક કારણ શેરી ફેરિયાઓનું દબાણ પણ છે. અસારવા જેવા વિસ્તારમાં શાકભાજીવાળાના લારીથી જાહેર રસ્તા સાંકડા થઈને ટ્રાફિકને અવરોધી રહ્યા હોવાની ઉગ્ર રજૂઆત તાજેતરમાં જ મ્યુનિસિપલ સ્ટેન્ડિગ કમિટીમાં થઈ હતી. શેરી ફેરિયાઓનો પ્રશ્ન તો વર્ષો બાદ પણ ઉકેલાયો નથી પરંતુ નવાં નવાં સર્વેનાં આયોજન થઈ રહ્યાં છે. હવે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશન હદ વિસ્તારના શેરી ફેરિયાઓનો સર્વે શરૂ કરાયો છે.

રાજ્ય સરકારના ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ શેરી ફેરિયા એક્ટ ૨૦૧૪ અંતર્ગત ફેરિયાઓનો સર્વે હાથ ધરાયો છે. આ સર્વેમાં ફેરિયાનું નામ, સરનામું, અંગૂઠાનું નિશાન, આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે કોઈ પણ ફોટો સાથેનાં ઓળખપત્ર સહિતની ઓળખ અને રહેઠાણના પુરાવાના આધારે સર્વેની ટીમ દ્વારા પહોંચ અપાઈ હતી. ખાનગી એજન્સી દ્વારા રાજ્ય સરકાર અમદાવાદમાં સર્વેની કામગીરી કરી રહી હોઈ છ મહિનામાં તેને આટોપી લેવાશે.

જોકે અગાઉ કોંગ્રેસના શાસન કાળમાં તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનસિંહ તોમરના કાર્યકાળમાં અમદાવાદમાં ફેરિયાઓનો સર્વે કરાયો હતો. વર્ષ ૨૦૦૫ દરમિયાન કરાયેલા આ સર્વે મુજબ શહેરમાં એક લાખ ફેરિયા હતા. ત્યાર બાદ કોર્પોરેશનમાં સત્તા પલટો થતાં ભાજપે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. સ્વ. વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનાં નામ સાથે સાંકળતી ઈન્દિરા પ્રિયદર્શિની યોજના અંતર્ગત સ્ટ્રીટ વેન્ડર પોલિસી પણ જે તે સમયે ઘડાઈ હતી જે મુજબ શેરી ફેરિયાઓને થાળે પાડવાની બાબતને અગ્રતા અપાઈ હતી.ભાજપના શાસનકાળમાં આશરે ૬૭,૦૦૦ ફેરિયાને ઓળખપત્ર અપાયાં છે પરંતુ આ ફેરિયાઓના પ્રશ્ન આજે પણ વણઉકલ્યા છે. શાસકો દ્વારા સ્ટ્રીટ વેન્ડર કમિટી ફક્ત ‘કાગળ’ પર રહી છે.

ફેરિયાઓ માટે સ્વતંત્ર પ્લોટ ફાળવવા કે શાકભાજીના લારીવાળા માટે અલગ થડાં તૈયાર કરવાની ‘વાતો’ તો બહુ થઈ છે અને કોર્ટમાં પણ તે મુજબના તંત્ર દાવા કર્યા છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી પણ ન તો શાસક પક્ષ કે ન તો વહીવટી તંત્ર અહીંના ફેરિયાઓનું કોકડું ઉકેલી
શક્યા છે.

http://sambhaavnews.com/

You might also like