રખડતાં ઢોર સામે રાઉન્ડ ધ ક્લોક ઝુંબેશ શરૂઃ ૬૯ ઢોર પકડ્યાં

અમદાવાદ: સ્માર્ટ સિટી અમદાવાદને બારે મહિના ગોકુળિયું ગામ બનાવતાં રખડતાં ઢોરનો ત્રાસ શહેરીજનો માટે અસહ્ય બનતો જાય છે. છાશવારે રખડતાં ઢોરની અડફેટમાં આવીને લોકો મૃત્યુના મોંમાં પણ ધકેલાઇ જાય છે. ખાસ કરીને ચોમાસામાં તો રખડતાં ઢોરની સમસ્યા માઝા મૂકે છે. વાહનચાલકો તૂટેલા- ફૂટેલા રસ્તાથી પોતાનો બચાવ કરે કે પછી રોડની વચ્ચોવચ બેઠેલાં રખડતાં ઢોરથી જાતને સંભાળે તે સમજી-વિચારી શકતા નથી, પરંતુ હાઇકોર્ટે લાલ આંખ કરતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ દોડતા થયા છે તેમજ રખડતાં ઢોરને પકડવા ‘રાઉન્ડ ધ કલોક’ ઝુંબેશ શરૂ કરાઇ છે.

અમદાવાદીઓ માટે રસ્તે રઝળતાં ઢોરનો ત્રાસ સતત વધતો રહ્યો છે. બીજી તરફ શહેરમાં ગૌચરની જમીન નામશેષ થતાં રખડતાં ઢોરની સમસ્યા વકરી હોવાની પશુપાલકોની દલીલ છે, જોકે અમુક સમયે રખડતાં ઢોર રસ્તા પરથી અદૃશ્ય થઇ જતાં હોઇ ઢોરને ખીલે બાંધી રાખવાનો પ્રશ્ન પશુપાલકોને પરેશાન કરતો નથી, પરંતુ શાસકો અને તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ-રીતિથી ઢોરને રસ્તા પર છોડી મુકાય છે તેવી લોકલાગણી છે.

તાજેતરમાં જન્માષ્ટમીએ ઢોરોને મુક્ત કરવાનો નિર્ણય પણ ભારે વિવાદાસ્પદ બન્યો હતો. શાસકોએ હાઇકોર્ટની ખફામરજીને ધ્યાનમાં લીધા મુજબ ઉત્સાહી બનીને સ્ટેન્ડિંગ કમિટીમાં જન્માષ્ટમી નિમિત્તે કોર્પોરેશનના ડબ્બામાં પુરાયેલી ગાયોને છોડી મૂકવાનો ઠરાવ પસાર કર્યો, પરંતુ આ જાહેરાતની થોડીક જ મિનિટોમાં શાસક પક્ષને પોતાની ભૂલ સમજાતાં ઢોરોને છોડાશે નહીં તેમ કહેવું પડ્યું, જોકે અાનાથી પશુપાલક સમાજમાં ભારે રોષ ફેલાયો અને મ્યુનિસિપલ મુખ્યાલય ખાતે ધરણાં-દેખાવો યોજીને મેયર ગૌતમ શાહનો ઘેરાવ કરવા સુધીના આંદોલનની ચીમકી આપતાં સત્તાધીશોએ અમુક શરતો સાથે જન્માષ્ટમીએ ગાય છોડાશે તેવો ફરીથી નવો નિર્ણય લેવાની ફરજ પડી હતી.

જન્માષ્ટમીએ ગાયોને મ્યુનિસિપલ ડબ્બામાંથી મુક્ત ન કરવાના નિર્ણય સામે પશુપાલકોના ઉગ્ર વિરોધથી ભયભીત થયેલા શાસક પક્ષે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પૂરતું તો સમાધાનકારી વલણ અપનાવ્યું, પરંતુ હાઇકોર્ટના આકરા વલણથી પણ રખડતાં ઢોર સામેની ઝંુબેશને વધાવવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

રસ્તા પરથી રખડતાં ઢોરનાે ત્રાસ દૂર કરવા માટે છેક તા.ર૮ જૂન, ર૦૦૬એ હાઇકોર્ટે મ્યુનિસિપલ તંત્રને આદેશ આપ્યાે હતાે. તેમ છતાં ૧૧ વર્ષથી હાઇકોર્ટના આદેશનું પાલન કરાયું નથી. તેની હાઇકોર્ટે ફરીથી ગંભીર નોંધ લઇ મ્યુનિસિપલ તંત્રને આડેહાથ લેતાં અધિકારીઓ દોડતા થયા છે.

મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જયંત કાચા કહે છે, તંત્ર દ્વારા રખડતાં ઢોરને પકડવા રાઉન્ડ ધ કલોક ઝુંબેશ શરૂ કરાઇ છે. ગઇ કાલે રસ્તા પરથી ૬૯ રખડતાં ઢોરને પકડી લેવાયાં હતાં. રખડતાં ઢોર પકડવાની ઝુંબેશને વધુ વેગવાન બનાવવા તંત્ર દ્વારા હયાત સ્ટાફ ઉપરાંત વધુ ર૦ કર્મચારીઓને કામે લગાડાયા છે. અત્યાર સુધી રખડતાં ઢોર પકડવા માટે શહેરમાં બે ટીમ કાર્યરત હતી, પરંતુ હવે ત્રણ-ત્રણ ટીમ કાર્યરત કરાઇ છે.

દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારને શહેરીજનોને કનડતી રખડતાં ઢોરની સમસ્યા અંગે હાઇકોર્ટના ચુકાદા સંદર્ભે પૂછતાં તેઓ કહે છે, હાઇકોર્ટના ચુકાદાની કોપી મંગાવી છે, જોકે હાઇકોર્ટના ચુકાદાના આધારે મ્યુનિસિપલ તંત્ર ચોક્કસપણે કામગીરી બજાવશે.

You might also like