મુંબઈની જેમ અમદાવાદમાં ગાય સહિતના પશુ પર પ્રતિબંધ મુકાશે?

અમદાવાદ, શનિવાર
શહેરમાં તૂટેલા રસ્તા જે રીતે નાગરિકોની કમરના મણકાને તોડી રહ્યા છે તેવી રીતે રખડતાં ઢોરના સતત વધતા જતા ઉપદ્રવથી પણ લોકો તોબા પોકારી ઊઠ્યા છે. પૂર્વ અમદાવાદ કહો કે પશ્ચિમ અમદાવાદ પણ શહેરના મોટા ભાગના વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસ છે તેમાંય ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો માટે રસ્તા પર ચાલવું પડકારરૂપ બન્યું છે.

રસ્તા જાણે કે પ્રજા માટે નહીં પણ રખડતાં ઢોર માટેના હોય તેવી સ્થિતિ સર્જાઇ છે, જેના કારણે મુંબઇની જેમ અમદાવાદમાં ગાય સહિતના પશુપાલન પર પ્રતિબંધ મૂકવાની તંત્રે ગંભીર વિચારણા હાથ ધરી છે. અજાણ્યા લોકો તો અમદાવાદના ‘ગોકુળિયું ગામ’ જેવાં રંગરૂપ જોઇને હેબતાઇ જાય છે તો અમદાવાદીઓ પણ રોજબરોજ રખડતાં ઢોરની અડફેટે ચઢીને કંટાળ્યા છે કેટલીક વાર તો માતેલા સાંઢ જેવાની ઝપટમાં આવી જવાથી હોસ્પિટલ ભેગાં થવું પડે છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા વર્ષોથી ખાસ ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ ચલાવાય છે.

આ વિભાગ દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરાય છે. તા.૧ થી ૬ ફેબ્રુઆરી સુધીમાં તંત્ર દ્વારા રપ૪ રખડતાં ઢોર પકડીને ઢોરવાડાના હવાલે કરાયાં છે, ખુદ તંત્રની સત્તાવાર માહિતી મુજબ ગત તા.૧૭ ઓગસ્ટ, ર૦૧૭થી તા.૬ ફેબ્રુઆરી, ર૦૧૮ સુધીમાં કુલ ૮પ૦૦ ઢોરને પકડી લેવાયાં હતાં.

બીજી તરફ રખડતાં ઢોરને પકડવાની કામગીરી કેટલાક વિસ્તારમાં ભારે જોખમી બની છે. પશુપાલકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તો ઠીક પોલીસ સ્ટાફ ઉપર પણ અવારનવાર હુમલા થઇ રહ્યા છે. આવા વિકટ સંજોગોની વચ્ચે ઢોરને લઇને તંત્ર અને પશુપાલકો વચ્ચે ‘દોડપકડ’નો ખેલ ચાલી રહ્યો છે.

બીજી તરફ શહેરના રસ્તા પર કેટલાંક લેભાગુ તત્ત્વોએ ધર્મભીરુ લોકોની આસ્થાનો ગેરલાભ ઉઠાવવા ઠેરઠેર પાળેલી ગાય બાંધીને રીતસરના નાના તબેલા ઊભા કર્યા છે. જ્યાં ગાયને રૂપિયા બે-દશ, વીસ અને પચાસના પૂળા નિરવામાં આવેછે. આવા ધંધાદારીઓનો ઉપદ્રવ પણ સતત વધતો જાય છે.

અગાઉ ગાય સહિતનાં રખડતાં ઢોરના માલિક સામે ૩૦૮ની કલમ લગાવવાનો મુદ્દો ચગ્યો હતો, જેના કારણે પશુપાલકોમાં ભારે રોષ ફેલાતાં સત્તાધીશોને તેમાં પીછેહઠ કરવી પડી હતી. શહેરમાં ગૌચરની જમીન રહી ન હોઇ ઢોર રસ્તા પર આવ્યાં હોવાની ગંભીર નોંધ તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા પણ લેવાઇ છે. રખડતાં ઢોર અંગે હવે આગામી તા.ર૩ ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થવાની છે, જોકે રખડતાં ઢોરના મામલે હાઇકોર્ટે અવારનવાર તંત્રની આકરી ઝાટકણી કાઢી છે.

દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આધારભૂત સૂત્રો કહે છે અમદાવાદીઓને રખડતાં ઢોરની સમસ્યામાંથી હંમેશ માટે મુક્તિ અપાવવા રાજ્ય સરકારના સ્તરેથી ક્વાયત હાથ ધરાઇ છે. રસ્તા પરથી રખડતાં ઢોર પકડીને ઢોરવાડામાં પૂરવા જેવા કામચલાઉ ઉપાયના બદલે કાયમી ની‌િત ઘડાઇ રહી છે. મુંબઇની જેમ અમદાવાદમાં પણ ગાય સહિતનાં પશુ પાળવા કે રાખવા પર રાજ્ય સરકાર ખાસ નો‌િટ‌િફકેશન બહાર પાડીને પ્રતિબંધ મૂકે તે પ્રકારની કાયમી નીતિની અમલવારીની શકયતા છે.

આગામી તા.૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારા વિધાનસભાના બજેટસત્રમાં રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઇ અગત્યની જાહેરાત કરાય તેવી સંભાવના છે, જોકે આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકાર વચ્ચે છેલ્લા છ મહિનાથી વાટાઘાટ ચાલતી હોઇ કોઇ કાયમી ઉકેલ લાવવાની પ્રબળ શક્યતા ઉદ્ભવી છે. જો કે અા બાબત અત્યંત સંવેદનશીલ હોઈ કોઈ અધિકારી અોન રેકોર્ડ કશુ કહેવા તૈયાર નથી.

You might also like