રખડતાં ઢોર પકડવા નવી ટ્રેકટર ટ્રોલી બે મહિના બાદ પણ ખરીદાઇ નથી

અમદાવાદ: શહેરમાં રખડતાં ઢોરના ત્રાસથી નાગરિકો તોબા પોકારી ઊઠ્યા છે. વેજલપુર, રાણીપ, વાડજ, સોલા સહિતના વિવિધ વિસ્તારોમાં એક જ રોડ પર અનેક રખડતાં ઢોર જોવા મળે છે. જોકે આ અંગે હાઇકોર્ટ હરકતમાં આવતાં છેલ્લા બે મહિનાથી રખડતાં ઢોરને પકડવાની ઝંબેશ શહેરમાં હાથ ધરાઇ છે. તેમ છતાં આશ્ચર્યજનક બાબત એ છે કે આજે પણ તંત્ર જૂની પુરાણી ચાર ટ્રેકટર ટ્રોલીથી રખડતાં ઢોર પકડી રહ્યું છે. રખડતાં ઢોર પકડવા નવી ટ્રેક્ટર ટ્રોલી બે મહિના બાદ પણ ખરીદાઇ નથી.

રખડતાં ઢોર દૂર કરવા છેક તારીખ ર૮ જૂન ર૦૦૬એ હાઇકોર્ટે મ્યુનિ સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો. તેમ છતાં ૧૧ વર્ષ સુધી હાઇકોર્ટના આદેશનું પાલન ન કરતાં બે મહિના અગાઉ હાઇકોર્ટે એક જાહેર અરજીના આધારે આની ગંભીર નોંધ લીધી હતી. તે વખતે તંત્ર દ્વારા હયાત સ્ટાફ ઉપરાંત રખડતાં ઢોર પકડવા વધુ ર૦ કર્મચારીને કામે લગાડીને બેને બદલે ત્રણ ટીમ કાર્યરત કરાઇ હતી.

તેમ છતાં હાઇકોર્ટને સત્તાવાળાઓની કામગીરીથી સંતોષ નથી હજુ ત્રણ દિવસ પહેલાં તંત્રની નબળી કામગીરીથી હાઇકોર્ટ ખફા થઇ હતી. ગત ૧૦ ઓક્ટોબરે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે મ્યુનિસિપલ સત્તાવાળાનો ઊધડો લીધો હતો. દૈનિક ૬૦ થી ૬પ ઢોર પકડતાં ઢોર ત્રાસ અંકુશ વિભાગને વધુ ઢોર પકડવા નવી પાંચ ટ્રેક્ટર ટ્રોલીની જરૂર છે.

સત્તા સમક્ષ ગત ર૦ ઓગસ્ટે આની દરખાસ્ત પણ મુકાઇ ગઇ હતી. જોકે હજુ સુધી આ દરખાસ્ત અનિર્ણિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકોને આંજી દેવા હજુ ગઇ કાલની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.પ૩૦ કરોડનાં કામને ફટાફટ મંજૂરી આપનાર શાસક ભાજપ પક્ષ પણ રખડતાં ઢોર પકડવાની ઝુંબેશને વધુ અસરકારક બનાવવા ગંભીર બન્યું નથી. જેના કારણે આજે પણ શહેરમાંથી દૈનિક ૧૦૦ ઢોર પણ પકડાતા નથી.

You might also like