વિચિત્ર અકસ્માતઃ બાઈક ટ્રકમાં ફસાઈ પાંચ કિ.મી. સુધી ઢસડાયુંઃ દંપતીનું મોત

અમદાવાદ: મોરબી-માળિયા-મિયાણા રોડ પર મોડી સાંજે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં બાઈકસવાર દંપતી બાઈક સાથે ટ્રકના વ્હીલમાં ફસાઈ જતાં અા દંપતીનું કમકમાટીભર્યું મોત થયું હતું. અા અંગેની વિગત એવી છે કે જામનગરમાં રહેતા હૈદરભાઈ મોહમ્મદ હુસેન માણેક અને તેમના પત્ની મુમતાઝબહેન બંને બાઈક પર લુણી શરીફ ખાતે યોજાયેલા ઉર્સમાં જવા નીકળ્યા હતા. દરમિયાનમાં માળિયા-મિયાણા રોડ પર સરડવ ગામ પાસે સામેથી અાવી રહેલા ટ્રકે બાઈકને અડફેટે લેતાં બાઈક ટ્રકમાં ફસાઈ ગયું હતું અને પાંચ કિલોમીટર સુધી ઘસડાયું હતું. અા ઘટનામાં હૈદરભાઈ અને તેમના પત્નીનાં મોત થયાં હતાં. ઘટનાને પગલે રોડ પર લોકોના ટોળેટોળા ભેગા થયા હતા અને ટ્રક પર હુમલો કર્યો હતો. જોકે ટ્રકચાલક ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અા ઉપરાંત વડનગરના બે યુવાનો સહદેવભાઈ ઠાકોર અને મહેન્દ્ર ઠાકોર ધાનેરા ખાતે પોલીસની પરીક્ષા અાપી પરત ફરતા હતા ત્યારે ધાનેરા રોડ પર જીપ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં સહદેવભાઈ ઠાકોરનું મોત થયું હતું જ્યારે મહેન્દ્રને ઈજાઓ પહોંચી હતી તેમજ નડિયાદ-કપડવંજ રોડ પર વણઝારિયા પાટિયા પાસે એક ડમ્પરે રાહદારી માતા-પુત્રને અડફેટે લેતાં પાંચ વર્ષના પુત્ર ચિરાગનું ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું. પોલીસે અા અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કર્યા છે.

You might also like