પાંચ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માતઃ બેનાં મોત, ચાર વ્યક્તિને ગંભીર ઈજા

અમદાવાદ: થરાદ-સાંચોર હાઈવે પર દૂધવા પુલ પાસે પાંચ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાતાં બે વ્યક્તિનાં મોત થયાં હોવાનું અને ચાર વ્યક્તિને ગંભીર ઈજા થઇ હોવાનું જાણવા મળે છે. અા ઘટનાના પગલે અા હાઈવે પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઈ જતાં અનેક વાહનચાલકો હાલાકીમાં મુકાઈ ગયા હતા.

થરાદ-સાંચોર હાઈવે પર દૂધવા ગામ નજીક પુલ પાસે ગઈ મોડી સાંજે એક ટેમ્પોની બ્રેક ફેલ થતાં એક પછી એક ચાર વાહનો અા ટેમ્પા સાથે વારાફરતી અથડાતાં ગમખ્વાર ઘટના સર્જાઈ હતી. અા ઘટનામાં થરાદના ખાનપુર ગામના રહીશ શિવાભાઈ અણદાભાઈ માજી રાણા નામના યુવાન સહિત બે વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે, જેમાંથી બેની સ્થિતિ નાજુક હોવાની જાણવા મળે છે.

અા ઉપરાંત સુરતમાં બીઅારટીએસ રૂટ પર પાણીની બોટલો સપ્લાય કરતા ટેમ્પોની અડફેટે બાઈક પર જતા એક રત્નકલાકાર પ્રકાશ રમેશભાઈ ગરાસિયાનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેની પત્ની અને માસૂમ બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like