અમેરિકામાં સ્નોઝિલા સુનામીનો કહેરઃ ૪૨ ઈંચ બરફ વર્ષા, મૃત્યુઆંક ૨૯

વોશિંગ્ટન: અમેરિકામાં આવેલા સદીનાં ભયંકર બરફીલા તોફાન ‘સ્નોઝિલા’નો કહેર આજે પણ ચાલુ રહ્યો છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બર્ફિલા તોફાન અને ઠંડીના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે અને હજુ પણ તેમની હાલત વધુ ખરાબ થઈ શકે છે. અત્યાર સુધીમાં ૪૨ ઈંચ બરફ પડી ચૂક્યો છે અને બરફીલા સુનામીનો મૃત્યુઆંક ૨૯ને આંબી ગયો છે.

અમેરિકાના નોર્થ કેરોલીના, ટેનેસી, મેરિલેન્ડ, વર્જિનિયા, ફિલાડેલ્ફિયા, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, ડેલાવેર, પેન્સિલવેલિયા, કેન્ટુકી, સહિતના ૧૧ રાજ્યોમાં ‘સ્નો ઈર્મજન્સી’ જાહેર કરવામાં આવી છે. બરફના તોફાનને કારણે એક અબજ ડોલરનું નુકસાન થયું છે. વોશિંગ્ટન, ડીસીનું તાપમાન માઈનસ છે. લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. ૧૨,૦૦૦થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. રેલવે અને પરિવહન સેવાઓ ઠપ છે. બે લાખ ઘરોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે.

વોશિંગ્ટન, નોર્થ-વેસ્ટ વર્જિનિયામાં ૪૨ ઈંચ સુધી બરફ પડવાનો રેકોર્ડ નોંધાયો છે. ન્યૂયોર્કના જોન એફ કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૩૧ ઈંચ, બાલ્ટીમોર – વોશિંગ્ટન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૯.૨ ઈંચ, વોશિંગ્ટન દલાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૮ ઈંચ, ન્યૂજર્સીમાં ૨૮ ઈંચ, ન્યૂયોર્ક સેન્ટર પાર્કમાં ૨૬.૮ ઈંચ, ફિલાડેલ્ફિયામાં ૨૨ ઈંચ બરફ પડ્યો છે.

અમેરિકાના ૨૨ રાજ્યો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. કલાકના ૭૫ કિ.મી.ની ઝડપે બરફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ ઝડપ હરિકેન વાવાઝોડાથી પણ વધુ છે. તમામ સરકારી ઓફિસો અને શાળા કોલેજો બંધ રાખવામાં આવ્યાં છે. બરફના તોફાનને કારણે ન્યૂજર્સીમાં આવેલા પ્રચંડ પૂરે તબાહી મચાવી દીધી છે. ન્યૂજર્સીના ગવર્નરે લોકોને ઘરોની અંદર અથવા સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે.

હોંગકોંગમાં કાતિલ ઠંડી
દરમિયાન હોંગકોંગથી મળતા અહેવાલ અનુસાર હોંગકોંગમાં ૫૯ વર્ષમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. સમગ્ર હોંગકોંગ કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયું છે આ અડધા શહેરના પર્વત શિખરો બરફથી ઠંડાઈ ગયા છે. શહેરી વિસ્તારોમાં સવારનું તાપમાન ઘટીને ૩.૩ ડિગ્રી નોંધાયું છે. એક વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારીના કારણે ૫૯ વર્ષમાં આ સૌથી નીચું તાપમાન છે. અા અગાઉ ૧૯૫૭માં ૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતંું. કોરિયાના સિઓલમાં માઈનસ ૧૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

You might also like