ઘુમા-શેલા વિસ્તારમાં 27 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નખાશે

અમદાવાદ: ઔડાના સત્તાવાળાઓ દ્વારા ચોમાસાના સામાન્ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થતા વિસ્તારોમાં રહેતા લોકોને રાહત આપવા કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. તાજેતરમાં મળેલી મેટ્રોપોલિટન કમિટીની બેઠકમાં તંત્ર દ્વારા ઘુમા-શેલા વિસ્તારમાં રૂ.૨૭ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નખાશે તેવી વિગત પણ રજૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

બોપલ-ઘુમા અને શેલા જેવા ઔડાના મેટ્રોપોલિટન વિસ્તારમાં સત્તાવાળાઓએ વિવિધ પ્રકારની આંતર માળખાકીય સુવિધાઓ જેવી કે પીવાના પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇન તેમજ જળસંચય સંબંધિત કામગીરી હાથ ધરી છે, જેમાં ઘુમા-શેલા વિસ્તારમાં રૂ.૨૭ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના આયોજનનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત ઘુમા-શેલા વિસ્તારમાં હાલમાં રૂ.૧૪.૨૬ કરોડના ખર્ચે અંદાજે ૩૫ કિમી લંબાઇના ડ્રેનેજ નેટવર્કની કામગીરી ચાલી રહી છે, જે પૈકી ૨૫ કિમી લંબાઇની કામગીરી પૂર્ણ કરાઇ છે, જ્યારે ઘુમા ગામતળમાં ૬.૫૨ કિમી લંબાઇમાં રૂ. ૮.૧૯ કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્ક, પમ્પિંગ સ્ટેશનની કામગીરી પ્રગતિ હેઠળ હોઇ કુલ ચાર કિમી લંબાઇમાં કામગીરી પૂર્ણ થઇ ચૂકી હોઇ જાણકાર સૂત્રો વધુમાં કહે છે કે જ્યારે બોપલ ગામતળમાં ૯.૬૦ કિમી ડ્રેનેજ લંબાઇની રૂ. ૫૮ કરોડના ખર્ચે નખાતી ડ્રેનેજ લાઇનમાં કાચબાછાપ ગતિથી કામગીરી ચાલી રહી હોઇ લોકોમાં રોષ ફેલાયો છે.

You might also like