બિહારના 24 જિલ્લાઓમાં આંધી-તોફાનની ચેતવણી

પટણા: બિહારના ર૪ જિલ્લામાં આજે પ્રતિકલાક ૭૦ કિલોમીટરની ઝડપે આંધી સાથે તોફાન આવી શકે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે. બપોર બાદ આ તોફાન બિહારની સરહદમાં પ્રવેશે તેવી સંભાવના છે ત્યારે રાજ્યના દક્ષિણ અને પૂર્વ વિસ્તારના ર૪ જિલ્લામાં આજ સાંજ સુધી ગમે ત્યારે ચક્રાવાતી તોફાન આવી શકે છે. તેમજ કોઈ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે.

રાજ્યના આપાતકાલીન વિભાગે તમામ જિલ્લાના ડીએમ અને વરિષ્ઠ અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યુ‌ં છે. ગત વર્ષે પણ રર એપ્રિલે બિહારમાં આવેલા આંધી-તોફાનથી ૩ર લોકોનો મોત થયાં હતાં. જ્યારે અનેક લોકોને ઈજા થઈ હતી. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. ગીરીએ જણાવ્યું કે પટણામાં આજે વાદળ ઘેરાયેલાં રહેશે તેમજ કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે બિહારના સુપેલ, અરરિયા, ભાગલપુર, પૂર્ણિયા, કિશનગંજ, મધેપુરા, ખગડિયા, કટિહાર, સહરસા, મુગેર, જમુઈ, લખીસરાઈ, બાંકા, મધુબની, દરભંગા, સમસ્તીપુર, સીતામઢી, મુઝફફરપુર, બેગુસરાય, શેખપુરા, નાલંદા, નવાદા અને ગયામાં એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તરપ્રદેશમાંથી બંગાળ તરફ સતત વહેતી હવા અને ભેજના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. બે દિવસ પહેલાં બિહારના મોટા ભાગના વિસ્તારોનું તાપમાન ૪ર ડિગ્રી થઈ ગયું હતું. તેના કારણે હવાનું દબાણ વધી ગયું હતું. ગત સાલ આવેલા તોફાન અને આંધીના કારણે 32 લોકોના મોત થયા હતા. તેમજ ૧૦૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. જેમાં સૌથી વધુ નુકસાન પૂર્ણિયા જિલ્લામાં થયું હતું. જ્યાં ર૬ લોકોના મોત થયા હતા. જ્યારે મધેપુરામાં સાત લોકોના મોત થયા હતા. અને કટિહાર તેમજ સહરસામાં પણ અનેક મકાનને નુકસાન થયું હતું.

You might also like