ચીનને હરિફ ગણવાનું બંધ કરવું જોઈએઃ અરૂપ રાહા

હાસીમારા: ભારત અને ચીને પરિપક્વ મુત્સદ્દીગીરી અપનાવવાની જરૂર હોવાનું જણાવતા ભારતીય વાયુદળના વડા એર ચીફ માર્શલ અરૂપ રાહાએ કહ્યું હતું કે ભારતે હવે ચીનને હરિફ તરીકે ગણવાનું બંધ કરી દેવું જોઈએ.  અત્રે અલીપુરદૌર જિલ્લામાં પત્રકારો સાથેની વાતચીતમાં ચીન તરફથી ખતરા વિશે તેમણે કહ્યું,’આપણે એક જ પ્રદેશમાં છીએ, આપણાં સમાન હિતો છે,આપણી સરહદો છે. હું માનું છું કે ઘણાં પ્રશ્રોનો ઉકેલ લાવવા માટે બંન્ને દેશોએ પરિપક્વ મુત્સદ્દીગીરી અપનાવવાની જરૃર છે…અને પ્રદેશના વિકાસ માટે સહકાર (અને) સંકલન કરવું જોઈએ.’ તેમણે કહ્યું કે બે ઉભરતી આર્થિક અથવા લશ્કરી સત્તાનું સહ અસ્તિત્વ હોઈ શકે. પ્રતિસ્પર્ધી તરીકેનું વલણ હવે વધુ મૈત્રીપૂર્ણ વલણમાં પરિવર્તીત થવું જોઈએ.

આ મહિનાની શરૂઆતમાં ભારતીય ઉપખંડમાં ચીનના વધતા જતા પ્રભાવને ભારત માટે સૌથી મોટો સુરક્ષા પડકાર હોવાનું જણાવાયું હતું. તેમણે જણાવ્યું હતું કે ચીનના શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ,ભૂતાન અને મ્યાનમાર સાથે વધતા જતા આર્થિક અને લશ્કરી સંબંધો એ તમામ ભારતને નિયંત્રણમાં રાખવાના ચીનના વ્યૂહાત્મક પગલાં છે. બાંગ્લાદેશ-ચીન-ભારત-મ્યાનમાર (બીસીઆઈએમ) કોરિડોર સંબંધિત સુરક્ષાને કોઈ ખતરો છે કે કેમ તેવા પ્રશ્રના જવાબમાં રાહાએ કહ્યું કે તેમને તેમાં સલામતિ બાબતે કોઈ જોખમ દેખાતું નથી. તેમણે કહ્યું,’પ્રદેશનું સંકલન આર્થિક વિકાસ, વેપાર, વાણિજ્યને આધારે થવાનું હોય તો તે સંપૂર્ણપણે યોગ્ય છે. હું માનું છું કે આ દરખાસ્તથી સમગ્ર પ્રદેશને લાભ થશે.’

નવા એરબેઝ વિશે તેમણે કહ્યું કે આ પ્રદેશમાં હાલમાં નવા કોઈ એરબેઝ ઊભા કરવાની યોજના નથી. પરંતુ હાલના એરબેઝને પુનઃ ધબકતા કરવાની અને સંચાલનનો વ્યાપ વધારવા માટે નાગરિક ઉડ્ડયનના એરપોર્ટથી સંચાલનનો વ્યાપ વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે.  તેમણે ઉમેર્યું કે બાંધકામ અને માળખાકીય સુવિધાઓ ખૂબ ઝડપથી ઊભી કરવામાં આવશે જેથી કનેક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિઓ અને દેશના અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ સુધારી શકાય.

You might also like