સ્વચ્છતા મિશન પાવાગઢની ખીણમાં અટવાયું

‘મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાળી રે…’ આ ગીતથી આદ્યશક્તિ મહાકાળી માતાજીના પ્રાચીન સ્થાનક પાવાગઢની યાદ ઉભરાઈ આવે છે. જોકે ગંદકીએ અહીં માઝા મૂકી છે. સ્વચ્છ ભારત મિશનનો પવન પાવાગઢને અડ્યો લાગતો નથી, કેમ કે પાવાગઢનો ડુંગર ચડતા પગથિયાંની બંને બાજુ હરિયાળી ઓછી અને પ્લાસ્ટિક વધુ નજરે પડે છે. એવી પણ પ્રતીતિ થયા વગર રહેતી નથી કે પાવાગઢના ડુંગર પર સદીઓથી પ્રવાસીઓ પ્લાસ્ટિક ફેંકતા રહે છે અને તંત્રએ ક્યારેય પ્લાસ્ટિક સાફ કરાવ્યું નહીં હોય.

નજીકમાં ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને પ્રાચીન મહાકાળી મંદિરનું સ્થાનક એવા પાવાગઢમાં પ્રવાસીઓનો ઘણો ધસારો રહે છે અને પ્રવાસીઓ બેરોકટોક ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકતા રહે છે. ન કોઈને પાવાગઢમાં પ્રદૂષણ ફેલાવવાનો અફસોસ વર્તાય છે કે ન તો સફાઈ કરાવવાનો વિચાર સ્ફુરે છે.

આપણે વૈચારિક અધોગતિની એવી ઊંડી ખાઈમાં પડ્યા છીએ કે આપણે નદી અને ગાયને માતા કહી, પર્વતોને પવિત્ર કહ્યા, વનને દેવ કહ્યા હતા તે તમામ સ્થાનકોની આજે બૂરી વલે કરી રહ્યા છીએ. ગાયો શેરીઓમાં રખડે છે, નદીઓમાં ઉદ્યોગોના ઝેરી કચરા ઠલવાઈ રહ્યા છે, મોટાભાગના પર્વતો ઉપર દેવ-દેવીનાં મંદિરો અને દેવદર્શને જતા શ્રદ્ધાળુઓએ પર્વતોને કચરાનાં ઘર બનાવી દીધા. સ્વચ્છતા મિશન શું માત્ર શહેરોની શેરીઓ અને ડામરની સડકો સાફ કરવા પૂરતું જ છે?

You might also like