મહેસાણામાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારો

મહેસાણા: અનામત આંદોલન વખતે પોલીસ ગોળીબારમાં ઘાયલ થયેલા મહેસાણાના મયુર પટેલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગઈ કાલે શુક્રવારે મૃત્યુ થયું હતું. આજે શનિવારે સવારે મયુરની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો પાટીદારો એકઠાં થયા હતા. આ દરમિયાન રોષે ભરાયેલા પાટીદારોએ ભાજપના કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો.

મયુરના મૃત્યુની ઘટનાને પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ ખુબ જ દુખદ ઘટના ગણાવી હતી અને તેમણે શનિવારે મહેસાણા બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન શહેરમાં નીકળેલી મયુરની અંતિમ યાત્રામાં પાટીદારોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેમણે ભાજપા કાર્યાલય પર પથ્થરમારો કરીને કાર્યાલયના કાચ તોડી નાંખ્યા હતા. કાર્યાલય પર પથ્થરમારો થયા બાદ ઓફીસમાં હાજર રહેલા કાર્યકરો ઓફીસ છોડીને ભાગી ગયા હતા.

આ ઘટનાને પગલે પાટીદારોમાં એટલો બધો રોષ પ્રસરી ગયો છે કે, તેમણે મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીનો મહેસાણામાં આવવા પર પ્રતિબંધ લાદી દીધો છે. પાટીદારોના આ રોષને જોતાં મુખ્યમંત્રી આનંદીબહેનની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.

You might also like