શહેરમાં તસ્કરોનો તરખાટઃ ઘરેણાં, રોકડ અને વાહનો સહિત રૂ.12 લાખ મતાની ચોરી

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં તરખાટ મચાવી આશરે રૂ.૧ર લાખની મતાની ચોરી કરતા શહેરીજનોમાં ભયની લાગણી પ્રસરી ગઇ છે. પોલીસે આ અંગે ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, નારણપુરા વિસ્તારમાં પ્રગ‌િતનગર વિસ્તારમાં આવેલા નિધી એપાર્ટમેન્ટના મકાનમાં તસ્કરોએ ઘૂસી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ.૧.પ૪ લાખની મતાની ચોરી કરી હતી. આજ વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાસે આવેલ દિનેશનગર સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી તિજોરીમાંથી દાગીના અને રોકડ રકમ મળી રૂ.૧.રપ લાખની મતાની ચોરી કરી હતી.

જ્યારે આનંદનગરમાં ૧૦૦ ફૂટ રોડ પર ટ્વીન્કલ કોમ્પલેકસ સામે પાર્ક કરેલ કારના દરવાજાના કાચ તોડી ગઠિયાએ રૂ.પપ હજારની કિંમતના ટેબ્લેટની તફડંચી કરી હતી. સોલા વિસ્તારમાં સાયન્સ સિટી નજીક હેતાર્થ પાર્ટી પ્લોટ સામે આવેલ સહજાનંદ સ્ટેટસ પાસેથી એક પલ્સર બાઇક અને એક બુલેટ મોટર સાયકલની અને ચાંદખેડામાં પરિમલ હોસ્પિટલ નજીકથી ઇનોવા કારની વાહનચોરોએ ઉઠાંતરી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત સેટેલાઇટમાં આઝાદનગર સોસાયટીના એક મકાનમાંથી રૂ.૩ લાખની મતાની અને ઘોડાસરમાં આવેલ ખોડિયારનગર સોસાયટીના એક મકાનમાંથી રૂ.૧.પ૦ લાખની મતાની ચોરી થઇ હતી. તેમજ સાબરમતીમાં જૂના બજાર નજીક સોનાનાં દોરની ચીલઝડપની બનાવ બન્યો હતો.

You might also like