ગુજરાતની કંપનીના શેરમાં પણ તોફાની ઘટાડો નોંધાયો

અમદાવાદ, શનિવાર
શેરબજાર ગઇ કાલે ધડાકાભેર તૂટી પડ્યું હતું. દિવસના અંતે સેન્સેક્સ ૩૫,૦૬૬ની સપાટીએ બંધ જોવાયો હતો. મોટા ભાગની કંપનીના શેરમાં કડાકો બોલાઇ ગયો હતો. જેના પગલે રાજ્યની મોટા ભાગની કંપનીના શેર પણ તૂટ્યા હતા.

સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૨.૫ ટકાથી વધુનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો, જેની સામે ગુજરાતની મોટા ભાગની કંપનીના શેરમાં બે ટકાથી ૧૩ ટકા સુધીનો ઘટાડો જોવાઇ ચૂક્યો હતો.

અદાણી ગ્રૂપની અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ કંપનીના શેરમાં ચારથી ૧૧.૫૦ ટકા સુધીનો માત્ર એક જ સપ્તાહમાં કડાકો જોવાઇ ચૂક્યો હતો.

ટોરન્ટ ફાર્મા અને ટોરન્ટ પાવર કંપનીના શેરમાં પણ અનુક્રમે ૧.૫૪ ટકા અને ૭.૦૨ ટકાનો સપ્તાહમાં ઘટાડો નોંધાયો હતો. ગણેશ હાઉસિંગ કંપનીના શેરમાં પણ ૧૩.૩૦ ટકાનો સપ્તાહ દરમિયાન કડાકો જોવાઇ ચૂક્યો છે, જ્યારે સદ્ભાવ એન્જિનિયરિંગ કંપનીનાે શેર સપ્તાહ દરમિયાન છ ટકા તૂટ્યો હતો. સિન્ટેક્સ, અરવિંદ, ગુજરાત પીપાવાવ, રત્નમણિ મેટલ જેવી કંપનીના શેર પણ પાંચથી ૧૨.૬૨ ટકા તૂટ્યા હતા.

રાજ્યના જાહેર ક્ષેત્રનાં એકમો જેવા કે જીએસએફસી, જીએમડીસી સહિત મોટા ભાગના જાહેર ક્ષેત્રનાં એકમોના શેરમાં ત્રણ ટકાથી ૧૨ ટકા સુધીનો કડાકો જોવાઇ ચૂક્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજેટમાં લોન્ગટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખતાં તેની શેરબજાર પર વિપરીત અસર નોંધાઇ હતી. એફઆઇઆઇ સહિત સ્થાનિક ફંડોની વેચવાલીના પગલે શેરબજારમાં જોવાયેલા ઘટાડાની સાથે રાજ્યની મોટા ભાગની કંપનીના શેરમાં ઘટાડો નોંધાતો જોવાયો હતો.

You might also like