મારામારીના CCTV ફૂટેજ જાહેર થયા બાદ સ્ટોક્સને ECBએ સસ્પેન્ડ કરી દીધો

લંડનઃ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ જણાવ્યું છે કે નાઇટ ક્લબની બહાર ઝઘડાનો વીડિયો જાહેર થયા બાદ બેન સ્ટોક્સ આગામી આદેશ સુધી ઈંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય મેચમાંથી સસ્પેન્ડ રહેશે.

ઘટનામાં હાથમાં ઈજા થઈ હોવા છતાં વાઇસ કેપ્ટન સ્ટોક્સને એશીઝ માટે ૧૬ સભ્યની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ૨૬ વર્ષીય બેન સ્ટોક્સને ગત સોમવારે કોઈ જ આરોપ વિના છોડી મૂકવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. એક અખબારે બ્રિસ્ટલમાં થયેલા આ ઝઘડાની સીસીટીવી તસવીરો છાપી હતી. સ્ટોક્સની સાથે રહેલા ઓપનિંગ બેટ્સમેન એલેક્સ હેલ્સને પણ આંતરરાષ્ટ્રીય મેચોમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, જોકે હેલ્સને એશીઝ માટેની ટીમમાં સામેલ નહોતો કરાયો.

ઈસીબીએ કહ્યું કે ઈંગ્લેન્ડ ક્રિકેટના ડિરેક્ટર એન્ડ્ર્યુ સ્ટ્રાઉસે બંને ખેલાડીઓના મામલાની આંતરિક તપાસ માટે શિસ્ત સમિતિને સોંપ્યો છે. આ નિર્ણયને ઈસીબીના ચેરમેન કોલિન ગ્રેવ્સનું પૂરતું સમર્થન છે.

You might also like