શેરબજારમાં સપ્તાહની શરૂઆત શુષ્ક

અમદાવાદ: આજે સપ્તાહની શરૂઆત શુષ્ક જોવા મળી હતી. નવેમ્બર એક્સપાયરી પૂર્વે સેન્સેક્સ અને નિફ્ટીમાં મામૂલી ૦.૦૮ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે સેન્સેક્સ ૨૧.૧૪ પોઇન્ટથી ઉપર ૨૫,૮૮૯ની સપાટીએ, જ્યારે નિફ્ટી ૫.૯૦ પોઇન્ટથી ઉપર ૭,૮૬૨ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

એફએમસીજી, આઇટી, મેટલ અને સર્વિસ સેક્ટરની કંપનીઓના શેર્સમાં નરમાઇ તરફી ચાલ જોવા મળી હતી તો બીજી બાજુ રિયલ્ટી સેક્ટરમાં ૦.૭૦ ટકાનો સુધારો નોંધાયો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર્સમાં પણ ૦.૩૩ ટકાનો સુધારો નોંધાયો હતો. જાણકારોના જણાવ્યા પ્રમાણે સાતમા વેતન કમિશનનો રિપોર્ટ સ્વીકારવામાં આવે તો કન્ઝ્યુમર ડ્યુરેબલ સેગ્મેન્ટમાં મોટા પ્રમાણમાં ખરીદી નીકળી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ આ સેક્ટરમાં તેજીની ચાલ નોંધાઇ હતી.
બજાજ ઓટો, ટેક મહિન્દ્રા, હીરો મોટો કોર્પ, બીએચઇએલ, ડો. રેડ્ડીઝ, પીએનબી કંપનીના શેર્સમાં ૦.૨૫ ટકાથી એક ટકાનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ વેદાન્તા, હિન્દાલ્કો, ગેઇલ કંપનીના શેર્સમાં ૧.૨૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

વિદેશી સંસ્થાગત રોકાણકારો સહિત સ્થાનિક રોકાણકારોની નવી ખરીદીના અભાવ વચ્ચે બજારમાં શુષ્ક માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ વૈશ્વિક મોરચે પણ કોઇ એવા સકારાત્મક પરિબળ નહીં હોવાના કારણે બજારમાં સુસ્તીનું વાતાવરણ જોવાઇ રહ્યું છે.

You might also like