શેરબજારમાં તેજીની ચાલે PSU બેન્કના શેર ‘સવા શેર’ થયા

અમદાવાદ: શેરબજારમાં તેજીની ચાલ જોવા મળી છે. નિફ્ટી ૧૦,૩૦૦ની ઉપરની સપાટીએ બંધ જોવાઇ છે. મોટા ભાગની કંપનીના શેરમાં જોવા મળેલા સુધારા પાછળ બેન્કિંગ શેરમાં પણ સુધારો નોંધાયો છે. એક વર્ષમાં મોટા ભાગની જાહેર ક્ષેત્રની બેન્કના શેરમાં પાંચ ટકાથી ૫૦ ટકા સુધીનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે, જેની સામે સેન્સેક્સમાં ૨૪.૨૨ ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે બેન્ક ઇન્ડેક્સમાં ૨૮ ટકાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે જાહેર ક્ષેત્રની બેન્કો એક વર્ષની એફડી પર છથી સાત ટકા હાલ વ્યાજ આપે છે, જેના કરતા રોકાણકારને પીએસયુ બેન્કના શેરમાં રોકાણ પર ઊંચું રિટર્ન મળી રહ્યું છે.

શેરબજારના નિષ્ણાતોના કહેવા પ્રમાણે સરકાર બેન્કોમાં રિસ્ટ્રક્ચરિંગ કરવાના ભાગરૂપે મોટા પાયા પર સુધારાનો અમલ કરી શકે છે. એટલું જ નહીં એનપીએમાં પણ ઘટાડો કરવાની પ્રક્રિયાના ભાગરૂપે સરકાર ભાર મૂકી રહી છે, જેના પગલે જાહેર ક્ષેત્રની મોટા ભાગની બેન્કના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. દેશની અગ્રણી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શેરમાં એક વર્ષમાં ૧૮ ટકા, પંજાબ નેશનલ બેન્કના શેરમાં ૧૯ ટકા, જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયાના શેરમાં ૫૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

નાની અને મધ્યમ કદની બેન્ક જેવી કે ઇન્ડિયન, વિજયા, કેનેરા, આંધ્ર બેન્કના શેરમાં એક વર્ષમાં ૧૧ ટકાથી ૫૦ ટકાનો ઉછાળો નોંધાયો છે, જોકે કેટલીક બેન્કોના શેરમાં છેલ્લા એક વર્ષમાં ઘટાડો નોંધાયો છે, જેમાં દેના બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક અને યુકો બેન્ક સામેલ છે. આ બેન્કના શેરમાં એક વર્ષમાં સાતથી ૨૯ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

સરકાર દેશની ઇકોનોમી વધુ મજબૂત બને તે માટે આગામી દિવસોમાં બેન્કિંગ નીતિમાં ધરખમ ફેરફાર લાવી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ બેન્ક શેરમાં પાછલા કેટલાય સમયથી સતત સુધારાની ચાલ જોવા મળી રહી છે, જે આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે લાંબા ગાળે બેન્કિંગ શેરમાં રોકાણ વધુ ફાયદેમંદ પુરવાર થઇ શકે છે.

You might also like