ધુળેટી પહેલાં જ શેરબજાર ગુલાબી રંગે રંગાયુંઃ સેન્સેક્સ ૨૯ હજારને પાર

અમદાવાદ: શેરબજારમાં આજે શરૂઆતે જ ૨૯ હજારની સપાટી ક્રોસ કરી દીધી હતી. ગઇ કાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચ બાદ વૈશ્વિક બજારમાં ઉછાળો નોંધાયો હતો અને તેના પગલે આજે એશિયાઇ સહિત ભારતીય બજારમાં પણ ઘટાડે લેવાલી આવતાં ઉછાળો જોવાયો હતો. આજે શરૂઆતે બીએસઈ સેન્સેક્સ ૧૪૮ પોઇન્ટના સુધારે ૨૯,૧૩૨, જ્યારે એનએસઇ નિફટી ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં ૪૧ પોઇન્ટના સુધારે નવ હજારની નજીક ૮,૯૮૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા  મળી હતી.

આજે શરૂઆતે જ ટાટા મોટર્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, વિપ્રો, બજાજ ઓટો, ગેઇલ, હિન્દાલ્કો કંપનીના શેરમાં ત્રણ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ટેક્સમાં રાહત આપવાની તરફેણ કરી છે એટલું જ નહીં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પણ વ્યાજદરમાં વધારો થવાની શક્યતા છે, જેના પગલે આજે શરૂઆતે બેન્કિંગ સહિત મેટલ, ઓટો, આઇટી સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં ૦.૨ ટકાથી એક ટકા સુધીનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી પણ ૦.૩ ટકાના સુધારે ૨૦,૮૫૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી રહી છે.

દરમિયાન લાર્જકેપની સાથેસાથે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ જોરદાર સુધારાની ચાલ નોંધાઇ છે, જોકે ફાર્મા અને રિયલ્ટી સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું છે. ડો. રેડ્ડીઝ, સન ફાર્મા અને આઇટીસી જેવી કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી ૧.૨૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક તથા સ્થાનિક બજારમાં નકારાત્મક પરિબળના અભાવ વચ્ચે વિદેશી રોકાણકારો સહિત સ્થાનિક રોકાણકારોની સતત લેવાલીના પગલે નિફ્ટી નવ હજારની નજીક ટ્રેડિંગમાં જોવા મળી રહી છે.

આ શેર ૫૨ સપ્તાહની ઊંચાઈએ જોવાયા
ભેલ રૂ. ૧૬૪.૪૦
દિલીપ બિલ્ડકોન રૂ. ૩૩૯.૭૦
ગરવારે વોલ રૂ. ૭૧૦.૦૦
ફિનોલેક્સ ઈન્ડ. રૂ. ૫૪૬.૮૦
ગુજરાત ગેસ રૂ. ૬૮૫.૦૦
ICICI પ્રૂડે. રૂ. ૩૬૯.૦૦
મધરસન સુમી રૂ. ૩૬૯.૪૦
ટ્રાય ડેન્ટ રૂ. ૭૪.૪૦
ટાટા ટેલિ સર્વિસીસ રૂ. ૧૦.૪૭
ટાટા સ્ટીલ રૂ. ૫૦૫.૩૫
નીલકમલ રૂ. ૨૦૧૯.૦૦

કયાં કારણો છે કે જેના કારણે શેરબજારમાં સુધારો નોંધાઈ રહ્યો છે
• ત્રીજા ત્રિમાસિક સમયગાળાના જીડીપીના ડેટા અનુમાન કરતાં વધુ સારા
• નોટબંધી બાદ દેશના આર્થિક વિકાસ ઉપર ખાસ કોઈ અસર નહીં
• અમેરિકી રાષ્ટ્રપ્રમુખના કોંગ્રેસ સમક્ષ ભાષણમાં આઈટી સેક્ટર માટે કોઈ નેગેટિવ જાહેરાત નહીં
• બેન્કિંગ શેરમાં તેજીનો ટ્રેન્ડ
• વિદેશી શેરબજારમાં પોઝિટિવ સંકેત
• ૧ જુલાઈ, ૨૦૧૭થી જીએસટી લાગુ થવાની તૈયારી
• સ્થાનિક બજારમાં એફઆઈઆઈની સતત ખરીદી
• કોર્પોરેટ અર્નિંગ ગ્રોથ જાન્યુઆરીથી માર્ચમાં પણ સારો રહેવાનું અનુમાન

You might also like