શેરબજારમાં શરૂઆતે પોઝિટિવ ચાલ: મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં ખરીદી

અમદાવાદ: શેરબજારમાં આજે શરૂઆતે પોઝિટિવ ચાલ નોંધાતી જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૭૭ પોઇન્ટના સુધારે ૩૪,૩૮૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૬ પોઇન્ટના વધારે ૧૦,૫૪૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મેટલ શેર સહિત મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં ખરીદી નોંધાતી જોવા મળી હતી, જ્યારે આઇટી અને ટેક્નોલોજી કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગની ચાલ જોવા મળી હતી.

આજે શરૂઆતે પાવર ગ્રીડ કોર્પોરેશન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૧.૪૦ ટકાથી ૩.૩૦ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ ઈન્ફોસિસ કંપનીના શેરમાં ૦.૯૦ ટકાનો ઘટાડો નોંધાઇ રૂ. ૧૧૨૨ના મથાળે ટ્રેડિંગમાં નોંધાયો છે. એક્સિસ અને વિપ્રો કંપનીનો શેર પણ રેડ ઝોનમાં ખૂલ્યો છે.

મિડકેપ સેક્ટરના શેર જેવા કે રિલાયન્સ કોમ્યુનિકેશન, નાલ્કો, એમ્ફેસિસ, એલએન્ડટી ફાઇનાન્સ કંપનીનો શેર ૧.૯ ટકાથી ત્રણ ટકા સુધર્યો હતો, જ્યારે સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે બજાજ ઇલેક્ટ્રિકલ્સ, આધુનિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેરમાં શરૂઆતે પાંચ ટકાનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ મુથુટ ફાઇનાન્સ, વક્રાંગી, સુપ્રીમ ઇન્ફ્રા. કંપનીના શેરમાં ત્રણથી પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

યુકો બેન્કનો શેર બાર વર્ષને તળિયે
જાહેર ક્ષેત્રની યુકો બેન્કનો શેર બાર વર્ષને તળિયે પહોંચી ગયો છે. ગઈ કાલે આ બેન્કના શેરમાં જોરદાર વેચવાલી આવતાં શેરમાં છ ટકાનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લે આ શેર રૂ. ૨૦.૯૦ના મથાળે બંધ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે આ શેરમાં આવેલા ઘટાડાનું મુખ્ય કારણ ૭૩૭ કરોડ રૂપિયાની લોન ગોટાળા સામે તપાસ ચાલી રહી છે.

સીબીઆઇએ ૬૨૧ કરોડ રૂપિયાના લોન ગોટાળાનો મામલો યુકો બેન્કના પૂર્વે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અરુણ કૌલ તથા કેટલાક અન્ય અધિકારીની ૧૪ એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેના કારણે શેરના ભાવ ઉપર અસર નોંધાઈ હતી.

ઊંચા ભાવથી સોના અને ચાંદીમાં ઘટાડો
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સાધારણ સૂસ્તી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ૧,૩૫૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળ્યા છે અને ચાંદીના ભાવમાં પણ ૦.૧ ટકાનો ઘટાડો નોંધાઇ ૧૬.૭ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળી છે.

વૈશ્વિક બજારમાં જોવા મળેલા ઘટાડાના પગલે તથા રૂપિયામાં સાધારણ મજબૂતાઇની અસરથી આજે શરૂઆતે સોનાના ભાવમાં સાધારણ રૂ. ૧૦૦નો ઘટાડો નોંધાઇ ૩૨,૨૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. ચાંદીમાં પણ ૧૦૦થી ૧૫૦ રૂપિયાનો શરૂઆતે ઘટાડો નોંધાઇ ૩૯,૪૫૦ની સપાટીએ ભાવ જોવા મળ્યો હતો. આવતી કાલે અખાત્રીજ છે. બજારમાં ઘરાકી રહેવાની આશા જ્વેલર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

You might also like