સપ્તાહની શરૂઆતમાં શેરબજાર પોઝિટિવ: કન્ઝયુમર ડ્યુરેબલ્સ કંપનીના શેરમાં ઉછાળો

અમદાવાદ: સપ્તાહની શરૂઆત પોઝિટિવ થઇ હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૭૫ પોઇન્ટના સુધારે ૩૩,૮૦૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૬ પોઇન્ટના સુધારે ૧૦,૩૮૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ રૂપિયાની મજબૂત ચાલના પગલે આઇટી કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

આજે શરૂઆતે કોટક મહિન્દ્રા, લાર્સન અને ટાટા સ્ટીલ કંપનીના શેરમાં એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં શરૂઆતે ૧.૫૦ ટકાનો ઘટાડો જોવાયો હતો.

ભારતી એરટેલ અને ઇન્ફોસિસના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો. ચંદા કોચર અંગે વિચારણા માટે આઇસીઆઇસીઆઇ બેન્ક બોર્ડના કેટલાક ડિરેક્ટર્સ સીઇઓ ટૂંક સમયમાં બેઠક કરે તેવી શક્યતાઓ પાછળ આજે આ બેન્કના શેરમાં શરૂઆતે જ વેચવાલી જોવા મળી હતી.

આજે શરૂઆતે મેટલ, ઓટો, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં પણ ૦.૫ ટકાનો સુધારો નોંધાયો હતો. દરમિયાન આજે શરૂઆતે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ મજબૂત સુધારાની ચાલ નોંધાઇ હતી.

નાલ્કો, આઇડીબીઆઇ બેન્ક, ઓબેરોય રિયલ્ટી કંપનીના શેરમાં ત્રણ ટકાનો સુધારો નોંધાયો હતો, જ્યારે બજાજ હોલ્ડિંગ, વક્રાંગી કંપનીના શેરમાં શરૂઆતે વેચવાલી નોંધાતાં એકથી બે ટકાનો ઘટાડો નોંધાયો હતો.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીના શેર અપ
ટાઈટન ૨.૧૫ ટકા
ટીટીકે પ્રેસ્ટિજ ૧.૮૨ ટકા
વીઆઈપી ઈન્ડ. ૦.૯૭ ટકા
વ્હર્લપુલ ઈન્ડિયા ૦.૩૩ ટકા
બજાજ ઈલેક્ટ્રિકલ્સ ૧.૨૫ ટકા

લેમન ટ્રી હોટલનું ૧૦ ટકા પ્રીમિયમે લિસ્ટિંગ
આજે શરૂઆતે લેમન ટ્રી હોટલનું ૧૦ ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થયું હતું. કંપનીએ શેર ૫૬ રૂપિયાના ભાવે ઈશ્યૂ કર્યો હતો. શરૂઆતે આ કંપનીનો શેર આજે રૂ. ૬૧.૬૦ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો, જોકે ઉપલા મથાળે વેચવાલી આવતાં શરૂઆતે તેમાં ઘટાડાની ચાલ પણ જોવા મળી હતી અને આ શેર તુરત જ રૂ. ૫૬ની આસપાસ ટ્રેડિંગમાં નોંધાયો હતો. રોકાણકારોને ૧૦ ટકા જેટલા ઊંચા ભાવે લિસ્ટિંગ થતાં સાધારણ રાહત જોવા મળી હતી.

You might also like