સળંગ સાતમા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ઘટાડો નોંધાયો

અમદાવાદ: વિદેશી શેરબજારના પ્રેશર વચ્ચે સ્થાનિક શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારની વેચવાલીએ આજે પણ બજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૪૦ પોઇન્ટના ઘટાડે ૨૬,૧૦૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૪૫ પોઇન્ટના ઘટાડે ૮૦૫૦ની સપાટી તોડી નીચે ૮૦૧૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં શુષ્ક માહોલ જોવા મળી રહ્યો છે.

આજે શરૂઆતે સન ફાર્મા કંપનીના શેરમાં ૧.૨૪ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે, જ્યારે ટાટા મોટર્સ, વિપ્રો કંપનીના શેરમાં પણ ૦.૫૦ ટકા સુધીનો સુધારો જોવાયો હતો. તો બીજી બાજુ ઓએનજીસી, મારુતિ સુઝુકી અને એક્સિસ બેન્કના શેરમાં એક ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બેન્ક શેરમાં વધુ ઘટાડો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી ૧૪૦ પોઇન્ટના ઘટાડે ૧૭,૯૪૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આમ, બેન્ક નિફ્ટીએ ૧૮ હજાર પોઇન્ટની સપાટી તોડી હતી.

એશિયાઈ બજાર રેડ ઝોનમાં ખૂલ્યાં
આજે શરૂઆતે મોટા ભાગનાં એશિયાઈ શેરબજારો રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સમાં ૧૮૪ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં ૭૩ પોઇન્ટનો ઘટાડો જોવાયો હતો. સિંગાપોરના સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સમાં ૨૫ પોઇન્ટ, તાઇવાન ઇન્ડેક્સમાં ૫૦ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ નીચા ગેપથી ખૂલ્યું હતું.

You might also like