શેરબજારમાં મોટા ઘટાડાની શક્યતા ખૂબ જ ઓછી

ગઇ કાલે છેલ્લે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૪૮.૭૦ પોઇન્ટના સુધારે ૩૧,૨૬૨.૦૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૧ પોઇન્ટના સુધારે ૯,૬૬૮.૨૫ પોઇન્ટની સપાટી બંધ જોવાઇ છે. આમ, નિફ્ટી સપ્તાહના અંતે ૯,૬૫૦ની સપાટીની ઉપર ટકી રહેવામાં સફળ રહી હતી. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૦.૦૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ નિફ્ટીમાં ૦.૧૫ ટકાનો સુધારો જોવાયો હતો.

બ્રિટનના ચૂંટણીનાં અણધાર્યાં પરિણામોએ શેરબજારમાં પણ અસર જોવાઇ હતી. ચૂંટણીનાં પરિણામોએ બ્રિટનમાં ત્રિશંકુ સરકાર રચાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. હવે બ્રેક્ઝિટના મુદ્દે અસમંજસની સ્થિતિ સર્જાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ શેરબજારમાં પણ પ્રેશર જોવાયું હતું. એ જ પ્રમાણે ચીનના પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટામાં સળંગ ત્રીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે તેની પણ અસર નોંધાઇ હતી. દરમિયાન આઇટી ઇન્ફોસિસ કંપનીના નારાયણ મૂર્તિ સહિતના સંસ્થાપકોએ કંપનીનો હિસ્સો વેચવો અથવા વેચવાનું આયોજન કરી રહ્યા હોવાના બહાર આવેલા સમાચારના પગલે આઇટી શેર પ્રેશરમાં જોવાયા હતા. એટલું જ નહીં નોમુરાએ ટીસીએસ કંપનીના ટાર્ગેટ ઘટાડતાં તેની પણ અસર જોવાઇ હતી.

શેરબજારની નજર હવે ચોમાસાની ગતિવિધિ ઉપર મંડાયેલી છે. એટલું જ નહીં જીએસટીમાં મોટા ભાગની ચીજ વસ્તુઓના રેટ નક્કી થઇ ગયા છે, પરંતુ આ રેટની જાહેરાત બાદ કેટલાંક સેક્ટરમાં વિરોધ થઇ રહ્યો છે. આવતી કાલે કાઉન્સિલની બેઠક મળી રહી છે. કાઉન્સિલ આ અંગે કેવું સ્ટેન્ડ લે છે તેના પર બજારની નજર રહેશે. જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી છે, જેથી ઘટાડાની શક્યતા ખૂબ જ ઓછી છે, પરંતુ નિફ્ટી ૯,૭૦૦ની સપાટી ક્રોસ કરે તો ૯,૭૫૦ની સપાટીએ પણ જોવાઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like