જાન્યુઆરી મહિનામાં શેરબજાર માટે ક્યારેક ખુશી તો ક્યારેક ગમ

અમદાવાદ: વર્ષ ૨૦૦૦થી જાન્યુઆરી-૨૦૧૫નાં ૧૬ વર્ષ દરમિયાન જાન્યુઆરી મહિનાના અંતે સેન્સેક્સ નવ વખત ઘટાડે બંધ થયો હતો. તો બીજી બાજુ સાત વર્ષ એવાં રહ્યાં હતાં કે જેમાં સેન્સેક્સ છેલ્લે સુધારે બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે કેલેન્ડર વર્ષ ૨૦૧૬નો જાન્યુઆરી મહિનો બજાર માટે કેવો રહેશે તે અંગે શંકા-કુશંકા પ્રવર્તી રહી છે.

પાછલા એક દાયકાનો ટ્રેક રેકર્ડ જોઇએ તો જાન્યુઆરીમાં સેન્સેક્સ પાંચ વર્ષ સુધારે બંધ થયો હતો, જ્યારે પાંચ વર્ષ ઘટાડે બંધ થયો હતો. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના ત્રીજા ત્રિમાસિક સમયગાળાનાં પરિણામોની સિઝન આગામી સપ્તાહથી શરૂ થઇ રહી છે બજારના નિષ્ણાતોના કહેવા પ્રમાણે ત્રીજા ક્વાર્ટરના લાર્જકેપ કંપનીઓનાં પરિણામો બજારની અપેક્ષા કરતાં નબળાં આવી શકે છે.

વેપાર ઉદ્યોગ માટે મહત્ત્વનું ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ બિલ શિયાળુ સત્રમાં પસાર નહીં થવાને કારણે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. તો બીજી બાજુ સેકન્ડરી બજાર કરતાં પ્રાઇમરી બજાર પાછલા કેટલાય સમયથી ઊંચું રિટર્ન મળવાને કારણે ગરમ રહ્યું છે ત્યારે પ્રાઇમરી બજારમાં નાણાકીય પ્રવાહિતા વધી છે. જાન્યુઆરી-૨૦૧૫માં સેન્સેક્સમાં ૧,૬૯૭ પોઇન્ટનો સુધારો થયો હતો તો બીજી બાજુ જાન્યુઆરી-૨૦૧૪માં સેન્સેક્સમાં ૭૦૯ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો ત્યારે વર્ષ ૨૦૧૬ના જાન્યુઆરી મહિનો બજાર માટે કેવો રહેશે તે અંગે અસમંજસની સ્થિતિ પ્રવર્તે છે. નિષ્ણાતો એવો મત વ્યક્ત કરે છે કે બજાર રેન્જબાઉન્ડ મૂવમેન્ટ કરી શકે છે.

You might also like