સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ: વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલ પ્રેશરને પગલે આજે સ્થાનિક શેરબજાર પણ નીચા ગેપથી ખૂલ્યું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૩૧૭ પોઇન્ટને ઘટાડે ૨૭,૫૫૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૯૯ પોઇન્ટને ઘટાડે ૮,૫૨૬ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ખાસ કરી બેન્કિંગ સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં પણ ૨૭૨ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આજે શરૂઆતે ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલ, મેટલ સેક્ટરમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી એટલું જ નહીં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ પ્રેશર જોવા મળ્યું હતું. આજે શરૂઆતે મોટા ભાગનાં સેક્ટર પ્રેશરમાં જોવાયાં હતાં. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની કંપની ઓએનજીસીના શેરમાં ૨.૨૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે ભેલ કંપનીનો શેર પણ ૧.૭૭ ટકા તૂટ્યો હતો. તો બીજી બાજુ એનટીપીસી, હિંદુસ્તાન યુનિલિવર કંપનીના શેરમાં સકારાત્મક ચાલ નોંધાઇ હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડની બેઠક તથા વૈશ્વિક બજારોમાં જોવા મળેલા ઘટાડાને પગલે સ્થાનિક શેરબજાર ઉપર પણ અસર જોવા મળી છે.

એશિયાઈ બજાર તૂટ્યાં
આજે મોટા ભાગનાં એશિયાઇ બજારો રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. યુએસ શેરબજારમાં જોવા મળેલ ઘટાડાની અસર એશિયાઇ બજારો ઉપર પણ જોવા મળી હતી. અમેરિકી કંપનીઓનાં નિરાશાજનક પરિણામ, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી તથા યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે વૈશ્વિક શેરબજારોમાં નરમાઇ જોવા મળી હતી. એફડીઆઇએ રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનના ઇ-મેઇલની તપાસના સમાચારોના કારણે યુએસ શેરબજાર ઉપર પણ નકારાત્મક અસર જોવા મળી હતી.

આજે શરૂઆતે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૨૮૮ પોઇન્ટ, તાઇવાન શેરબજાર ઇન્ડેક્સ ૧૦૩ પોઇન્ટ તૂટ્યો હતો. એ જ પ્રમાણે કોસ્પી, શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ તૂટ્યો હતો. હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સમાં ૩૦૦ પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો.

આ શેર તૂટ્યા
ટાટા મોટર્સ – ૧.૬૫
ICICI – ૧.૬૨
ગેઈલ – ૧.૪૮

આ શેર સુધર્યા
ટાટા સ્ટીલ ૩.૨૩
એચડીએફસી ૨.૫૯
એનટીપીસી ૨.૪૫

બેન્ક શેર ડાઉન
એસબીઆઈ – ૧.૭૦
પંજાબ નેશનલ બેન્ક – ૧.૮૫
બેન્ક ઓફ બરોડા – ૧.૬૮
યસ બેન્ક – ૧.૯૪
ફેડરલ બેન્ક – ૧.૮૩

You might also like