સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ તૂટ્યોઃ નિફ્ટી 11,500ની નજીક

અમદાવાદ: આજે નબળા વૈશ્વિક સંકેતો અને રૂપિયા પર દબાણને લઇ શેરબજાર નજીવી તેજી સાથે ખૂલ્યું હતું. બીએસઇનો સેન્સેક્સ ૭૧.૭૪ પોઇન્ટની તેજી સાથે ૩૮,૩૧૪.૫૫ અને નિફ્ટી ૨૧.૩૫ પોઇન્ટની મજબૂતાઇ સાથે ૩૮,૩૧૪.૫૫ પર ખૂલી હતી, પરંતુ તુરત જ સેન્સેક્સ ૧૬૫ પોઇન્ટ તૂટીને ૩૮,૦૭૮ની સપાટી પર આવી ગયો હતો અને નિફ્ટી પણ ઘટીને ૧૧,૫૦૦ની નીચે સરકી ગઇ હતી.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૭૯.૮૩ (૦.૨૧ ટકા)ના ઘટાડા સાથે ૩૮,૧૬૨.૯૮ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ૨૧.૩૫ પોઇન્ટના ઘટાડા (૦.૨૦ ટકા) સાથે ૧૧,૫૧૫.૭૫ની સપાટીએ ટ્રેડ કરી રહી છે.

સેન્સેક્સના ૧૨ શેરના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે ૧૯ શેર તૂટતા જોવા મળ્યા છે. સેન્સેક્સ પર કિર્લોસ્કર એન્જિન ઓઇલનો શેર ૧૦.૦૯ ટકા, હિમાદ્રી કેમિકલ- ૯.૫ ટકા, એબીબી ઇન્ડિયા-૪.૬૧ ટકા, ટીવીએસ મોટર-૩.૪૧ ટકા, ફાઇઝર-૩.૧૮ ટકા અને વેલસ્પન કોર્પોરેશનનો શેર ૩.૧૯ ટકા વધ્યો હતો.

નિફ્ટી પર બજાજ ઓટોનો શેર ૨.૮૦ ટકા, ટાટા મોટર્સનો શેર ૧.૫૭ ટકા, ગેલનો શેર ૧.૧૪ ટકા, કોલ ઇન્ડિયાનો શેર ૧.૦૨ ટકા મજબૂત થયો હતો.

બેન્ક અને ફાર્મા શેરમાં આજે વધુ ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયો આજે ચાર પૈસાના નજીવા વધારા સાથે ૭૧.૯૫ પ્રતિડોલરના ભાવે ખૂલ્યો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે રૂપિયો ડોલર સામે ૦.૧૭ પૈસાના ઘટાડા સાથે ૭૧.૮૨ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. રૂપિયામાં ઘટાડાના પગલે આઇટી શેરમાં તેજી જોવા મળશે.

You might also like