આવતી કાલે RBIની પોલિસીના નિર્ણય પૂર્વે શેરબજાર સાવધાન

અમદાવાદ: શેરબજાર આજે શરૂઆતે રેડ ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૪૨ પોઇન્ટ ઘટીને ૩૪,૯૭૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૪ પોઈન્ટ ઘટીને ૧૦,૬૧૫ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આમ, શરૂઆતે સેન્સેક્સ ૩૫ હજારની સપાટી તોડી નીચે જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી પણ ૨૭ પોઈન્ટ તૂટી ૨૬,૨૩૦ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ કંપનીના શેરમાં વેચવાલી જોવા મળી હતી.

આઇટી કંપનીના શેરમાં ચમકારો જોવા મળ્યો હતો. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક. અને વિપ્રો કંપનીના શેરમાં ૦.૬૨થી ૧.૮૦ ટકાનો સુધારો નોંધાયો હતો, જ્યારે પાવર ગ્રીડ ૨.૫૩ ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૧.૯૩ ટકા તૂટ્યા હતા.

ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલ, રિયલ્ટી, પાવર સેક્ટરના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આવતી કાલે આરબીઆઇ મોનિટરી પોલીસી અંગે નિર્ણય જાહેર કરશે. સાથેસાથે ફુગાવા અંગે નિવેદન પણ કરશે તેના ઉપર રોકાણકારોની મીટ મંડાયેલી છે.

શુગર કંપનીના શેર અપ
શુગર મિલો છેલ્લા કેટલાય સમયથી આર્થિક મુશ્કેલીમાં સપડાઇ છે. ખેડૂતોના પણ કરોડો રૂપિયાનાં બાકી લહેણાં ચૂકવાયાં નથી. આ સંજોગોમાં શુગર મિલને રાહત મળે તે રીતે રૂ. ૧૦ હજાર કરોડનું આર્થિક પેકેજ આપવાની કવાયત સરકારે હાથ ધરી છે, જેના પગલે મોટા ભાગની શુગર કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી. સરકાર શુગર મિલોને રાહત મળે તે રીતે બફર સ્ટોક બનાવવાનો નિર્ણય પણ કરી શકે છે.
શક્તિ શુગર ૬.૬૭ ટકા
રાજશ્રી શુગર ૫.૫૬ ટકા
અવધ શુગર ૪.૪૯ ટકા
મવાના શુગર ૩.૭૪ ટકા
બલરામપુર ચીની ૩.૦૦ ટકા

પીએસયુ બેન્ક શેર બીજાદિવસે પણ ડાઉન
બેન્ક ઓફ બરોડા ૦.૧૯ ટકા
પીએનબી ૦.૩૬ ટકા
આઈડીબીઆઈ બેન્ક ૦.૪૯ ટકા
બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૪૨ ટકા
ઈન્ડિયન બેન્ક ૦.૯૩ ટકા
કોર્પોરેશન બેન્ક ૦.૭૨ ટકા
યુકો બેન્ક ૧.૦૯ ટકા

ખાનગી બેન્કના શેર પણ ઘટાડો નોંધાયો
ICICI બેન્ક ૦.૪૨ ટકા
એક્સિસ બેન્ક ૦.૫૩ ટકા
યસ બેન્ક ૧.૫૨ ટકા
બંધન બેન્ક ૧.૬૩ ટકા
કરુર વૈશ્ય બેન્ક ૧.૬૮ ટકા

યુએસ નાસ્ડેક ઈન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈએ બંધ
યુએસ શેરબજાર પોઝિટિવ બંધ જોવા મળ્યું હતું. યુએસ ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૦.૭૨ ટકાના સુધારે છેલ્લે ૨૪,૮૧૩ પોઇન્ટની સપાટીએ બંધ જોવા જોવા મળ્યું હતું, જ્યારે નાસ્ડેક ઇન્ડેક્સ ૦.૬૯ ટકાના સુધારે ૭,૬૦૦ની ઉપર ૭,૬૦૬ પોઇન્ટની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.

એપલ કંપનીના શેરમાં જોવા મળેલો ૦.૮૪ ટકાનો અને એમેઝોન કંપનીના શેરમાં નોંધાયેલો ૧.૪૫ ટકાના સુધારાથી યુએસ નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઇએ બંધ જોવા મળ્યો હતો. દરમિયાન યુએસ એસએન્ડપી ૫૦૦ શેરબજાર ઇન્ડેક્સ પણ ૦.૪૫ ટકાના સુધારે છેલ્લે ૨,૭૪૬ પોઇન્ટની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે પાછલા સપ્તાહે રોજગારીના સકારાત્મક આવેલા ડેટાને પગલે અમેરિકી શેરબજાર ઉપર તેની અસર જોવા મળી હતી.

You might also like