શેરબજારમાં મોટી વધ-ઘટનો અભાવ જોવા મળી શકે છે

ગઈ કાલે છેલ્લે શેરબજાર ‘ફ્લેટ’ બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૯.૩૩ પોઇન્ટના ઘટાડે ૩૧,૦૫૬.૪૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૦ પોઇન્ટના સુધારે ૯,૫૮૮.૦૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવા મળી હતી. નિફ્ટી છેલ્લે ૯,૬૦૦ પોઇન્ટની નીચે બંધ આવી છે તે એક કરેક્શનનાે સંકેત ગણાવી શકાય તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યા બાદ સ્થાનિક શેરબજારમાં ખાસ કોઇ મૂવમેન્ટ જોવા મળી નથી, જે આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે. નોંધનીય છે કે સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૦.૬૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે નિફ્ટીમાં ૦.૮ ટકાનો ઘટાડો જોવાયો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે દેશભરનાં રાજ્યમાં સરકાર સામે ખેડૂતોનો જે રીતે રોષ ભભૂકી ઊઠ્યો છે તે જોતાં સરકાર માટે આગામી દિવસો મુશ્કેલીના બની શકે છે. એક બાજુ બેન્કની એનપીએ વધી રહી છે તો બીજી બાજુ ખેડૂતો દેવાં માફીની માગ કરી રહ્યા છે, જે ઈશ્યૂ સરકાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે સરકારે ૧ જુલાઇથી જીએસટીના અમલની જાહેરાત કરી છે, પરંતુ કાપડ સેક્ટર સહિત કેટલાંક સેક્ટરનો જીએસટીના રેટ અને તેમાં જોવા મળી રહેલી વિસંગતતા સામે ભારોભાર રોષ છે. હવે જીએસટી કાઉન્સિલ આ અંગે કેવું ‘સ્ટેન્ડ’ લે છે તે મહત્ત્વનું સાબિત થશે. નોંધનીય છે કે આવતી કાલે જીએસટી કાઉન્સિલની બેઠક છે. નાણાપ્રધાન અરુણ જેટલી પણ તેમાં ભાગ લઇ રહ્યા છે.

આઇટી સેક્ટર છેલ્લા કેટલાક સમયથી અંડર પ્રેશર છે ત્યારે સેન્ટિમેન્ટ જોતાં આગામી સપ્તાહમાં સુધારાની ચાલ જોવાઇ શકે છે. એ જ પ્રમાણે ફાર્માસ્યુટિકલ શેરમાં પણ લાંબા ગાળે રોકાણ આકર્ષણ રિટર્ન આપનારાં સાબિત થઇ શકે છે. એ જ પ્રમાણે શેરબજારની નજર ચોમાસા ઉપર પણ રહેશે કે દેશભરનાં રાજ્યમાં ચોમાસું કેવો આકાર લે છે. આમ, ઓવરઓલ આગામી સપ્તાહે બજારમાં સીમિત રેન્જમાં કારોબાર જોવા મળી શકે છે. ચાલુ સપ્તાહ દરમિયાન નિફ્ટીએ ૯,૬૦૦ની સપાટી જાળવી રાખવાનાે પ્રયાસ કર્યો છે. આ જોતાં આગામી સપ્તાહે નિફ્ટી ૯,૫૦૦થી ૯,૭૦૦ની રેન્જની મૂવમેન્ટમાં જોવા મળી શકે છે.
http://sambhaavnews.com/

You might also like