Categories: India

હજુ ઘણા જળવિવાદ ઉકેલ માગે છે

એકથી વધુ રાજ્યોમાંથી પસાર થતી હોય એવી નદીઓનાં પાણી માટે સંબંધિત રાજ્યો વચ્ચેના ઝઘડાઓ દેશમાં અનેક વખત હિંસક રૂપ ધારણ કરી ચૂક્યા છે એવા સંજોગોમાં ગત સપ્તાહે કર્ણાટક અને તામિલનાડુ વચ્ચેના કાવેરી જળ વિવાદ અંગે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપીને વિવાદનું કાયમી નિરાકરણ કરી આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે કર્ણાટકને કાવેરીના પાણીનો વધારે હિસ્સો ફાળવ્યો છે અને એટલા પ્રમાણમાં તામિલનાડુના હિસ્સામાં ઘટાડો કર્યો છે. આ ચુકાદા પછી તામિલનાડુના લોકોમાં ઉદાસી જોવા મળી હોવાના અહેવાલો હતા, પણ એવી લાગણીઓ સામાન્ય રીતે ક્ષણિક હોય છે. લોકો આવા વિવાદ માટે હિંસાનો માર્ગ અપનાવવાનું પસંદ કરતા નથી. જ્યારે પણ આવી હિંસા થઈ છે ત્યારે તેની પાછળ રાજકીય પક્ષો કે નેતાઓની ઉશ્કેરણી કામ કરી ગઈ હોય એવું બન્યું છે.

રાજકીય પક્ષો અને નેતાઓના રાજકીય સ્વાર્થને કારણે જ આવા વિવાદો વર્ષો સુધી ચાલ્યા કરે છે. અન્યથા સમજણપૂર્વક રાજ્યના અગ્રણીઓ સાથે મળીને આવા વિવાદોનો ઉકેલ લાવી શકતા હોય છે. તેને માટે અદાલતનો આશ્રય લેવાની જરૂર પડે એ જ આપણી કરુણતા છે. જે રાજ્યમાં નદીનું ઉદ્ગમ સ્થાન હોય એ રાજ્ય નદી પર પોતાનો માલિકી હક્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. તેના આધારે જ નદીના પાણી પર પહેલો અને સૌથી વધુ હક્ક એ રાજ્યનો હોવાનું પ્રતિપાદિત કરવાનો પ્રયાસ થાય છે. આ દૃષ્ટિકોણ જ પાયામાંથી ભૂલ ભરેલો છે, પરંતુ આ દૃષ્ટિકોણને આધારે જ નેતાઓ લોકોની ઉશ્કેરણી કરતા રહે છે. વ્યાપક રાષ્ટ્રીય હિતના દૃષ્ટિકોણને બદલે સંકુચિત પ્રદેશવાદનો દૃષ્ટિકોણ પ્રભાવી બને છે. રાજકારણીઓ લોકોના જાન-માલના ભોગે પાણીનું રાજકારણ ખેલે છે. તેમને માટે લોકપ્રિયતા મેળવવાનો અને લોકોને આકર્ષિત કરવાનો આ આસાન માર્ગ બની રહે છે.

રાજકારણીઓની નજર હંમેશાં મત પર જ રહે છે. આ મતની લાલચમાં જ તેઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. ભવિષ્યમાં આવું ન બને અને આવા વિવાદોનો ઉકેલ રાષ્ટ્રીય ભાવના સાથે લાવવામાં આવે એ હેતુથી જ સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યું છે કે નદીઓના પાણી એ રાષ્ટ્રીય સંપત્તિ છે. તેના પર કોઈ એક રાજ્ય હક્ક કે દાવો કરી શકે નહીં. આ જ સાચી સમજ છે. આ ચુકાદાને પગલે તામિલનાડુમાં તત્કાલ ઉગ્ર રાજકીય પ્રતિક્રિયા જન્મી નથી, એ સારું લક્ષણ છે. એકંદરે લોકો અદાલતનો ચુકાદો સ્વીકારી લેવાના મતના હોય છે. કાવેરી જળવિવાદનું કાયમી નિરાકરણ થઈ ગયું હોવાનું હવે માનીને ચાલી શકાય, પરંતુ ગોદાવરી, કૃષ્ણા, રાવી-બ્યાસ જેવી કેટલીય નદીઓના પાણીના વિવાદ આજે પણ યથાવત્ છે અને નિરાકરણ માટે અદાલતના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આ વિવાદોને કારણે જ દેશના એક ડઝન જેટલાં રાજ્યોના લોકો ચિંતા અને વ્યગ્રતા અનુભવે છે. બને છે એવું કે નીચલી અદાલતના નિર્ણયને સ્વીકારવામાં આવતા નથી અને મામલાને છેક સર્વોચ્ચ અદાલત સુધી લઈ જવામાં આવે છે. તેના કારણે નિરાકરણની પ્રક્રિયા લંબાતી રહે છે. કાવેરી જળવિવાદમાં આવું જ બન્યું હતું. રાવી-બ્યાસ નદીના પાણીની વહેંચણીની બાબતમાં પણ પંજાબ અને હરિયાણા રાજ્ય વચ્ચે ઉગ્ર મતભેદો પ્રવર્તે છે અને તેને કારણે અનેક વખત હિંસક સંઘર્ષ થયા છે. આવા સંઘર્ષોને હંમેશાં રાજકીય પીઠબળ મળતું રહ્યું છે. જો એવું ન હોત તો રાવી-બ્યાસના પાણીનો ઝઘડો ક્યારનો ઉકેલાઈ ગયો હોત.

કેટલાક વિવાદ જળ ટ્રિબ્યુનલને હવાલે કર્યા પછી ટ્રિબ્યુનલના નિર્ણયને નહીં સ્વીકારવાનું વલણ ચલણી બન્યું છે. ટ્રિબ્યુનલમાં સ્થાન પામેલા નિષ્ણાતો પાણીની ઉપલબ્ધિ, જરૂરિયાત અને અન્ય વ્યવહારિક પાસાંને લક્ષમાં લઈ ગહન અભ્યાસ કર્યા પછી નિર્ણય આપે છે. આમ છતાં તેના નિર્ણયને ન માનવાનું વલણ એ વિવાદને લાંબા સમય સુધી ચાલુ રાખી રાજકીય સ્વાર્થ સિદ્ધ કરવાનું, હેતુસરનું હોય છે. આવી મનઃસ્થિતિમાંથી હવે બહાર આવવું જોઈએ. આવા સંકુચિત રાજકીય દૃષ્ટિકોણથી અત્યાર સુધી દેશે અને લોકોએ ઘણું નુકસાન સહન કર્યું છે. હવે લોકોએ પણ રાજકારણીઓને અદાલત અથવા ટ્રિબ્યુનલના નિર્ણયોને શિરોધાર્ય ગણવાની ફરજ પાડી પક્ષો કે નેતાઓની ઉશ્કેરણીને દાદ આપવાનું બંધ કરવું જોઈએ. નદીઓના પાણી એ રાષ્ટ્રીય સંપત્તિ છે એ વાતનો સાર્વત્રિક સ્વીકાર થવો જોઈએ.

——————————–.

Maharshi Shukla

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

9 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

9 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

10 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

10 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

10 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

10 hours ago