ઈન્કમટેક્સ બ્રિજ નીચેની ગાંધીજીની પ્રતિમાને ખસેડવા બાબતે હજુ દ્વિધા

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા પશ્ચિમ અમદાવાદના આશ્રમરોડ પર શહેરનો સૌથી લાંબો અંજલિ ફ્લાય ઓવરબ્રિજ ઉપરાંત ઇન્કમટેક્સ ખાતે ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ ચાલે છે.

આ બંને બ્રિજ પૈકી ઇન્કમટેક્સ ફ્લાય ઓવરબ્રિજના નિર્માણથી બ્રિજ નીચેથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને ખસેડવાને મામલે વિવાદ ઊઠ્યો છે, જેમાં ભાજપના શાસકો પણ દ્વિધામાં હોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

તંત્ર દ્વારા આશરે રૂ. ૬૫ કરોડના ખર્ચે ઇન્કમટેક્સ ચાર રસ્તા ખાતે ફ્લાય ઓ‍વરબ્રિજનું કામ ધમધમી રહ્યું છે. ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચની યાદમાં ઇન્કમટેક્સ ચાર રસ્તા ખાતે ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરાઇ હતી. એક પ્રકારે ઇન્કમટેક્સ ચાર રસ્તાની ઓળખ જ ગાંધીજીની પ્રતિમા છે.

ઇન્કમટેક્સ ચાર રસ્તા ખાતેના ફ્લાય ઓવરબ્રિજની ડિઝાઇન ગાંધી થિમ પર તૈયાર કરાઇ છે. ગાંધીજીનાં ચશ્માં આકારે ફ્લાય ઓવરબ્રિજને આકાર અપાયો હોઇ તેના પિલર પર ગાંધીજીની પ્રતિકૃતિ છપાઇ છે.

ઇજનેર વિભાગનાં સૂત્રો કહે છે, ગાંધીજીની પ્રતિમા બ્રિજ નીચે યથાવત્ રહે તે માટે કન્સલ્ટન્ટ નિમાયા હતા તેમજ સેપ્ટનો ટેક્િનકલ મદદ લેવાઇ હતી. આ ઉપરાંત ગાંધીજીની પ્રતિમાની પાંચ ફૂટ ઉપરથી બ્રિજ તૈયાર થઇ રહ્યો હોઇ તેમની પ્રતિમાને ખસેડવાની જરૂર લાગતી નથી.

બીજી તરફ કેટલીક સંસ્થાઓએ આગામી ગાંધી જયંતીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને ખસેડીને વાડજ સર્કલ ખસેડવાની સત્તાધીશો સમક્ષ માગણી કરતાં વિવાદ ઊઠ્યો છે, જોકે તંત્રનાં છ વર્ષ જૂના સર્વે મુજબ વાડજ સહિતના ૩૪ સર્કલ ખાતે ફ્લાય ઓવરબ્રિજ કે અંડરપાસનું નિર્માણ થવાનું હોઇ ગાંધીજીની પ્રતિમાને વાડજ સર્કલ ખાતે ખસેડ્યા બાદ પણ ત્યાં પ્રતિમા બ્રિજ નીચે ઢંકાઇ જવાનો પ્રશ્ન આગામી દિવસોમાં ઉપસ્થિત થશે.

આ અંગે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કંઇ પણ સ્પષ્ટપણે કહી શક્યા નથી. તેઓ કહે છે, ગાંધીજીની પ્રતિમાને ઇન્કમટેક્સ બ્રિજ નીચેથી ખસેડીને અન્યત્ર સ્થળે પ્રસ્થાપિત કરવા બાબતે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. આ સમગ્ર બાબતે હાલ અનિર્ણાયકતા જ છે.

You might also like