સ્ટીવ સ્મિથે પણ સ્વીકાર્યું કે વિરાટ તેના કરતાં પણ ચડિયાતો બેટ્સમેન છે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીનાં શાનદાર પ્રદર્શને દુનિયાના બધા દિગ્ગજ ક્રિકેટરોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વિરાટના આ દમદાર પ્રદર્શનને કારણે કેટલાક જૂના દિગ્ગજો અને ક્રિકેટ પંડિતોએ તો તેને વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માની લીધો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન કોહલીએ ઘણી શાનદાર ઇનિંગ્સ રમી, જે આવનારી પેઢીઓ માટે દૃષ્ટાંતરૂપ બની રહેશે.

જોકે વર્તમાન સમયમાં વિરાટને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન જોરદાર ટક્કર આપી રહ્યા છે. આ ત્રણેય બેટ્સમેનોએ પાછલા એક વર્ષમાં ગજબનાક પ્રદર્શન કર્યું છે. ભારતીય કેપ્ટન વિરાટ અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને એકબીજાના કટ્ટર હરીફ માનવામાં આવી રહ્યો છે, પરંતુ પૂરા થયેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વિરાટના પ્રદર્શનને જોયા બાદ હવે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે પણ એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે વિરાટ તેના કરતો ઘણો સારો બેટ્સમેન છે.

સ્મિથે એક ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરતાં એ વાતનો ખુલાસો કર્યો છે કે તે વિરાટથી બહુ જ પ્રેરિત છે. હવે તો વિરાટની જેમ બેટિંગ કરવાની કોશિશ કરે છે. સ્મિથે જણાવ્યું, ”હું દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોનમે જોઈને ક્યારેક તેમની જેમ બેટિંગ કરવાની કોશિશ કરું છું.” વિરાટ અને સ્મિથ વચ્ચે મેદાન પર ક્યારેક જ સંબંધ સારા રહ્યા હશે. ઘણી વાર તો આ બંને ખેલાડી મેદાનમાં બાખડી ચૂક્યા છે.

આ બધી વાતોને ભૂલીને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથે એ સ્વીકારી લીધું છે કે વિરાટ તેના કરતાં ઘણી સારી બેટિંગ કરે છે અને હવે તે પણ વિરાટની જેમ બેટિંગ કરવાની કોશિશ કરવા લાગ્યો છે. સ્મિથ હવે વિરાટની બેટિંગ ટેકનિક બારીકાઈથી જોવા લાગ્યો છે. વિરાટ કેવી રીતે સ્પિનર્સ સામે રમે છે, વિરાટ કેવી રીતે ફાસ્ટ બોલર્સની ધોલાઈ કરે છે – સ્મિથ આ બધું વિરાટની બેટિંગમાંથી શીખવાના પ્રયાસમાં લાગી ગયો છે.

સ્મિથે આગળ વાત કરતાં જણાવ્યું, ”હું દુનિયાના શાનદાર ખેલાડીઓને જોઉં છું અને તેની જેમ બેટિંગ કરવાની કોશિશ કરું છું. હું ફક્ત કોશિશ કરીને શીખું છું. ઓફ સાઇડ ગેમ રમવા માટે મેં વિરાટ કોહલીની સ્ટાઇલ અપનાવી છે. મેં મારી રમતમાં એ. બી. ડિવિલિયર્સને પણ કોપી કર્યો છે. હું કેન વિલિયમ્સનની બેટિંગ સ્ટાઇલમાંથી પણ ઘણું શીખ્યો છું.”

સ્મિથે ભારત પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું
વર્ષ ૨૦૧૭ના ભારત પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ચાર ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરીને ત્રણ સદી ફટકારી હતી. એ શ્રેણીમાં સ્મિથે ૭૧.૨૮ની સરેરાશથી ૪૯૯ રન બનાવ્યા હતા.

You might also like