ટ્રકમાંથી સળિયાની ચોરી કરી બારોબાર વેચી મારવાનું કૌભાંડ

અમદાવાદ, શનિવાર
ડ્રાઇવર-ક્લિનર અને તેના મળતિયાઓ દ્વારા ટ્રકોમાંથી સળિયાની ચોરી કરી બારોબાર વેચી મારવાના કૌભાંડનો વડોદરા પોલીસે પર્દાફાશ કરી પાંચ શખસોની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, અંકલેશ્વરથી પાનોલી જવાના રોડ પર એક વે‌-બ્રિજની બાજુમાં આવેલ ગોડાઉનમાં વિમલ નામનો શખસ હાઇવે પરથી લોખંડના સળિયા ભરી પસાર થતી ટ્રકોનાં ડ્રાઇવર-ક્લિનરની મિલીભગતથી કિંમતી સળિયા કાઢી લઇ બારોબાર વહેંચી મારી આ કૌભાંડ આચરતા હોવાની આરઆરસેલને ગુપ્ત બાતમી મળી હતી.

આ બાતમીના આધારે આરઆરસેલની ટીમે અંકલેશ્વર રોડ પર આવેલા એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન ગોડાઉની બહાર બે ટ્રેલર અને એક ટેમ્પામાંથી સળિયાનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે કુલ આશરે રૂ.૯૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

આ પાંચેય આરોપીને પોલીસે અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવી ઝીણવટભરી પૂછપરછ શરૂ કરી હતી પરંતુ આરોપીઓએ હજુ સુધી પોલીસને કોઇ સંતોષકારક જવાબ આપ્યો નથી. પરંતુ ટ્રકમાંથી સળિયાની ચોરી કરી બારોબાર વેચી મોટી કમાણી કરવાનું આ કૌભાંડ છેલ્લા દોઢેક વર્ષથી ચાલતું હોવાનું પોલીસ માની રહી છે અને આ કૌભાંડમાં વડોદરાના કેટલાક માથાભારે શખસો સામેલ હોવાનું જણાતાં પોલીસે આ દિશામાં પણ સઘન કાર્યવાહી શરૂ કરી છે.

You might also like