સ્ટીલના ભાવમાં બે ટકા ઘટાડો થશે

મુંબઇ: સ્ટેનલેસ સ્ટીલના ભાવમાં આગામી ૧ એપ્રિલથી બે ટકા એટલે કે રૂ. ૨૦૦૦થી ૨૫૦૦ પ્રતિ ટન સસ્તું થવાની સંભાવના છે. સરકાર સ્ટેનલેસ સ્ટીલ બનાવવાના ઉપયોગમાં લેવાતો મુખ્ય કાચો માલ-િનકલ પર આયાત ડ્યૂટી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ બજેટમાં નિકલ પર આયાત ડ્યૂટી નહીં લેવાની દરખાસ્ત કરી છે, જેના કારણે દેશમાં સ્ટેનલેસ સ્ટીલની ઉત્પાદન પડતરમાં ઘટાડો થશે. નોંધનીય છે કે હાલ નિકલ પર આયાત ડ્યૂટી ૨.૫ ટકા છે.

ભારત નિકલની આયાત માટે પૂરી રીતે ઇન્ડોનેશિયા અને ચીન ઉપર નિર્ભર છે. નિકલ સ્ટીલની ધાતુને વધુ મજબૂતીનું સ્વરૂપ આપે છે. ભારત ફેરો નિકલની ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ ટન આયાત કરે છે. સ્ટેનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે નિકલ આયાત પર આયાત ડ્યૂટી દૂર કરવાની માગ કરવામાં આવી હતી. દેશમાં નિકલનું ઉત્પાદન થતું નથી અને તેના કારણે તમામ માગ આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે.

નાણાપ્રધાને માત્ર નિકલ કેથોડ પર આયાત ડ્યૂટી નહીં લેવાનો નિર્ણય કર્યો છે, જેથી ફેરો નિકલ અને સ્ટેનલેસ સ્ટીલ પર આયાત ડ્યૂટી ચાલુ રહેશે. સરકારે સ્ટીલ ઉદ્યોગની ૫૦ ટકા સમસ્યા ઉકેલી છે, જોકે નિકલ કેથોડ ઉપર આયાત ડ્યૂટી નહીં લેવાનો નિર્ણય કરાતાં રૂ. ૨૦૦૦થી ૨૫૦૦ પ્રતિ ટને ફાયદો થશે. નોંધનીય છે કે દેશમાં દર વર્ષે જુદા જુદા ગ્રેડનું એક અંદાજ પ્રમાણે ૩૫ લાખ ટન સ્ટેનલેસ સ્ટીલનું ઉત્પાદન થાય છે.
http://sambhaavnews.com/

You might also like