ધોરણ ૧૦ની પરીક્ષા માટેના ઉમેદવારોની સંખ્યામાં આ વર્ષે થશે ઘટાડો

અમદાવાદ: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ ૨૦૧૮માં લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧૨ માર્ચ ૨૦૧૮ના રોજ લેવાશે. ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની સામાન્ય પ્રક્રિયા બોર્ડ દ્વારા પૂરી કરાઈ છે, જેમાં ધોરણ ૧૦માં ગઈ કાલ ૨૨ નવેમ્બર સુધીમાં કુલ ૧૦.૭૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા છે, જોકે હાલમાં લેટ ફી ભરીને ગાંધીનગર કચેરી ખાતે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે, પરંતુ આ સંખ્યા કુલ મળીને દસ હજાર જેટલી સંભાવના સાથે ધોરણ ૧૦ની પરીક્ષા માટેના ઉમેદવારોની સંખ્યામાં આ વર્ષે ઘટાડો થશે.

ગત વર્ષની તુલનાએ પરીક્ષા ૩ દિવસ વહેલી યોજાઈ રહી છે. ગત વર્ષે ૧૫ માર્ચે પરીક્ષા યોજાઈ હતી. જેમાં ધોરણ ૧૦માં ૧૧ લાખથી વધુ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૧૪ લાખ અને સાયન્સ સેમેસ્ટર-૪માં ૧.૪૧ મળીને કુલ ૧૭.૫૫ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે વર્ષ ૨૦૧૬ની સરખામણીએ ૨૩ હજાર વધુ વિદ્યાર્થી નોંધાયા હતા.

ધોરણ ૧૦ની પરીક્ષાનો સમય સવારે ૧૦થી ૧.૨૦ રહેશે. જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષાનો સમય બપોરે ૩થી ૬.૧પનો રહેશે. ધોરણ ૧૦માં પહેલું પેપર પ્રથમ ભાષા, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું રહેશે. બીજા દિવસે વિજ્ઞાન અને ટેકનોલોજી ત્યાર બાદ સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને હિન્દી (દ્વિતીય ભાષા)ના પેપર લેવાશે.

વર્ષ ૨૦૧૬માં ધોરણ ૧૦માં કુલ ૧૦.૮૩ લાખ અને ધોરણ ૧૨માં ૫.૧૨ લાખ વિદ્યાર્થીઓ સાથે કુલ ૧૫.૯૫ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. બંને ધોરણની પરીક્ષાઓ માર્ચ ૨૦૧૮ના છેલ્લા સપ્તાહે પૂરી થશે. ત્યાર બાદ એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે જુલાઈ ૨૦૧૮માં પૂરક પરીક્ષા યોજાશે.

You might also like