ધોરણ-૧૦માં ૯૪.૬૦ ટકા લાવનારો સ્કોલર ચોર બની ગયો

મુંબઈ: કોલ્હાપુર, ગોવા સહિતના સ્થળોઅે થયેલી ઘરફોડ અને વાહનચોરીનો ભેદ પોલીસે જ્યારે ઉકેલ્યો ત્યારે ચોંકાવનારી હકીકત સામે અાવી હતી.  ડોક્ટર બનવાનાં સપનાં જોઈને કોલ્હાપુરની વિવેકાનંદ કોલેજમાં પ્રવેશ મેળવનાર ૧૯ વર્ષના અવધૂત પાટીલની પોલીસે ૧૦ ઘરફોડ ચોરી અને બાઈક ચોરીના કેસમાં ધરપકડ કરી છે. અા બધી ચોરી માત્ર ૧૦ મ‌િહનાની અંદર કરવામાં અાવી. અા વિદ્યાર્થી પાસેથી પોલીસે બાઈક, સોના-ચાંદીનાં ઘરેણાં, ૮ મોબાઈલ અને લેપટોપ સહિત ૧૧.૩૬ લાખ રૂપિયાની મત્તા જપ્ત કરી છે.

અવધૂત પાટીલના પિતા ખેડૂત છે અને માતા અાંગણવાડીમાં ભણાવે છે. તેનો ભાઈ પુણેમાં એ‌િન્જ‌િનયરીંગ કોલેજમાં ભણે છે અને બહેન શિક્ષિકા છે. બાળપણથી અવધૂત ભણવામાં હોશિયાર હતો. તેણે ૧૦મા ધોરણમાં ૯૪.૬૦ ટકા મેળવ્યા અને ડોક્ટર બનવા કોલ્હાપુર અાવ્યો. તે ભાડાના રૂમમાં રહેતો અને ઘરેથી દર મ‌િહને ૪૫૦૦ રૂપિયા મળતા હતા.

૧૦ મ‌િહના પહેલાં તેનાં માતા-પિતાઅે તેને અાપેલો ૧૦૦૦ રૂપિયાનો મોબાઈલ ચોરાઈ ગયો, તેથી તેને ખૂબ ગુસ્સો અાવ્યો. તેના ખિસ્સામાં પૈસા ન હતા અને કોલેજમાં તેના મિત્રો ખૂબ મજા કરતા. તેણેે નોકરી કરતાં કરતાં કોલેજમાં ભણતા છોકરાના રૂમમાંથી બે મોબાઈલ ચોર્યા અને અોનલાઈન શો‌િપંગ સાઈટ પર વેચ્યા, તેમાંથી તેને ૩૨૦૦ રૂપિયા મળતાં તેને ચોરીની અાદત પડી.

તે મોટર બાઈક પણ ચોરવા લાગ્યો અને બનાવટી નંબર પ્લેટ લગાવીને શો-અોફ કરવા લાગ્યો. ચોરીમાં મળતી વસ્તુઅો તે શો‌િપંગ સાઈટો પર વેચી દેતો. તે દર અઠવાડિયે જે દુકાનમાંથી નવા ફોન ખરીદતો તે દુકાનદારને શંકા ગઈ અેટલે તેણે પોલીસને જાણ કરી. અા રીતે પોલીસે તેને પકડ્યો. પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે ચોરી માટેનો પસ્તાવો વ્યક્ત કર્યો હતો. પોલીસે જણાવ્યું કે અા બાળક હજુ નાદાન છે. તેને મે‌િડકલ અેડ‌િમશન માટે અાપવી પડતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બેસવા દેવાશે.

You might also like