ધોરણ ૧૦ અને સાયન્સ સેમેસ્ટર-૪ની પરીક્ષા પૂર્ણ

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલી ધો.૧૦ અને ૧ર વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઅોનો પ્રથમ તબક્કો અાજે પૂર્ણ થયો છે, જેના કારણે ધો.૧૦ અને ૧ર વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઅો અને વાલીઅોએ હાશકારો અનુભવ્યો છે.

બોર્ડ દ્વારા ગત તા.૮ માર્ચથી ધો.૧૦ અને ૧રની પરીક્ષાઅોનો પ્રારંભ થયો હતો. અા પરીક્ષાનો પ્રથમ તબક્કો અાજે પૂર્ણ થયો છે, જેમાં ધો.૧૦ તમામ મુખ્ય વિષયોની પરીક્ષા અાજે પૂર્ણ થઇ ગઇ છે તેવી જ રીતે અાજે સેમેસ્ટર-૪ વિજ્ઞાનપ્રવાહની પણ પરીક્ષા પૂર્ણ થઈ રહી છે, જેના કારણે ધો.૧૦ અને વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઅો પરીક્ષા પૂર‍ી થતાં હળવાશ અનુભવશે. વાલીઅો પણ રાહતની લાગણીનો અનુભવ કરશે, કારણ કે પર‍ીક્ષા તો વિદ્યાર્થી જ અાપતા હોય છે પણ તેમની પાછળ તેમના વાલીઅો પણ એટલો માનસિક તણાવ અનુભવતા હોય છે.

અાજથી વિદ્યાર્થીઅો અને વાલીઅો રાહત અનુભવશે. જોકે ધો.૧ર સામાન્ય પ્રવાહ અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના કેટલાક વિષયોની પરીક્ષા બાકી છે, જે અાવતા સપ્તાહમાં પૂર્ણ થશે, જેના કારણે ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઅો મન મૂકીને ધુળેટી પર્વની મોજ માણી શકશે. જ્યારે વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર-ર (ધો.૧૧ સાયન્સ)ની પરીક્ષાઅો ત્યાર બાદ શરૂ કરવામાં અાવશે.

You might also like