ધો.૧૦-૧૨ના વિદ્યાર્થી બુટ-મોજાં પહેરીને પરીક્ષા અાપી શકશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧રની પરીક્ષા આવતી કાલ ૧પ માર્ચથી શરૂ થશે. ધો. ૧૦, ધો. ૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સના ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઅો નોંધાયા છે. આ વર્ષે વિદ્યાર્થીઓને બૂટ-મોજાં પહેરીને પરીક્ષા આપવાની છૂટ અપાઇ છે, જોકે વિદ્યાર્થીઓ અગાઉની જેમ તેમની બેઠક વ્યવસ્થા જોવા કલાસરૂમમાં જઇ શકશે નહીં.

બેઠક વ્યવસ્થા જોવા માટે આજે પરીક્ષા કેન્દ્ર પર શાળાના ગેટ પાસે નોટિસબોર્ડ ઉપર ચાર્ટ મૂકાયો હતો. અગાઉ બૂટ-મોજાં પહેરીને વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પ્રવેશ આપવા દેવામાં ન આવતાે હોઇ વિદ્યાર્થીઓને હેરાનગતિ થતી હોવાની રજૂઆતોના પગલે પરીક્ષામાં સ્થળ સંચાલકોએ તકેદારી રાખવા સાથે વિદ્યાર્થીઓને બૂટ-મોજાં પહેરીને કલાસરૂમમાં આવવા દેવા મંજૂરી અાપી છે.

આવતી કાલથી શરૂ થઇ રહેલી બોર્ડ પરીક્ષામાં અમદાવાદ જિલ્લામાં નિયમિત, રિપીટર, ખાનગી સહિતના કુલ ૧,૧૭,પ૦૦ વિદ્યાર્થીઓ ધો.૧૦માં નોંધાયા છે, જ્યારે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં ૬૪,પ૩૧ અને ધો.૧ર સેમેસ્ટર-૪ વિજ્ઞાન પ્રવાહમાં ૧૭,૧૬૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

અમદાવાદના ૧ર સહિત રાજ્યના ૩૩ જિલ્લામાં ૧૩૭૧ ઝોનમાં પરીક્ષા લેવાશે. અમદાવાદમાં ધો.૧૦ માટે ૩૬ કેન્દ્ર અને ધો.૧ર માટે પાંચ કેન્દ્ર નિયત કરાયાં છે, જેમાં રાયખડ વિસ્તાર ઝોન-૬માં સૌથી વધુ ૮ પેટાકેન્દ્ર છે. કુલ ૧ર કેન્દ્ર અન્વયે ૭૦ પેટાકેન્દ્ર પર પરીક્ષા લેવાશેે. આ વર્ષે ધો.૧૦માં ૧૪૩ અને ધો.૧ર સામાન્ય પ્રવાહના કુલ ૩પ સહિત ૧૭૮ જેલના કેદીઓ પરીક્ષા આપશે, જેમના માટે અમદાવાદ મધ્યસ્થ જેલ સહિત વડોદરા, રાજકોટ અને સુરતમાં પરીક્ષા લેવાશે.

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર સીસીટીવી કેમેરા કાર્યરત છે. આ વર્ષે ધો.૧૦માં ર૩ હજાર, ધો.૧ર સામાન્ય પ્રવાહ અને સાયન્સ-૪ સેમેસ્ટરમાં કુલ ર હજાર વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં તમામ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થયાના અડધા કલાક પહેલાં પરીક્ષાનું સાહિત્ય પહોંચતું કરાશે. દિવ્યાંગ શિક્ષકોને સુપરવિઝન કાર્યમાંથી મુક્તિ આપવામાં આવી છે.

સ્કવોડ ટીમ હોવા છતાં શંકાસ્પદ કેન્દ્ર કે વાલીની ફરિયાદના આધારે સ્થાનિક સ્કવોડ બનાવવાની શિક્ષણાધિકારીને સત્તા આપવામાં આવી છે. ડાયાબિટીસથી પીડાતા વિદ્યાર્થીઓને તેમની સાથે પરીક્ષાના સમય દરમ્યાન ચોકલેટ-બિસ્કિટ રાખવા કે ખાવાની છૂટ અપાઇ છે.

ઉપરાંત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ર૩૩ પપ૦૦ દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓને માર્ગદર્શન આપવાનું ચાલુ છે. ઘરની બાજુમાં પાર્ટી પ્લોટ હોવાથી વાંચનની તકલીફ, મમ્મી સિરિયલ જોતી હોવાથી વાંચવાની તકલીફ વગેરે પ્રશ્નોના કાઉન્સિલર દ્વારા સમાધાન કરાવવામાં આવી રહ્યાં છે.

આ અંગે પરીક્ષા સચિવ ભરત કૈલાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશતાં પહેલાં બૂટ-મોજાં કઢાવવાનો નિયમ ક્યારેય ફરજિયાત નહોતો, પરંતુ મોજાંમાં કાપલીઓ છુપાવીને વર્ગખંડમાં જતા વિદ્યાર્થીઓ ઝડપાતા હોવાના કિસ્સાઓ બનતા હતા. સીસીટીવી અને ટેબ્લેટના કારણે ઘટનાઓમાં ઘટાડો થયો છે, જેથી બૂટ-મોજાં ચેક કરી જે તે વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશવા દેવા પર છૂટ આપવામાં આવી રહી છે, જેના ચેકિંગ અંગેની જવાબદારી જે તે પરીક્ષા કેન્દ્રના સંચાલકની રહેશે.
http://sambhaavnews.com/

You might also like