અમારા સ્ટેટસ પ્રમાણે રહેવું પડશે, સારાં મોંઘાં કપડાં પહેરવાં પડશે

અમદાવાદ: ‘અમારા સ્ટેટસ પ્રમાણે તારે રહેવું પડશે, સારાં મોંઘાં કપડાં પહેરવાં પડશે’ આ રીતે દબાણ કરી બંગલાનું કામ કરાવી, જમવાનું ન આપતાં સાસરિયાંના ત્રાસના લીધે પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ મૃતક પરિણીતાના પિતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઓઢવ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મણિનગરના જશોદાપાર્કમાં રહેતા અને એકાઉન્ટન્ટની નોકરી કરતા મહેશભાઈની પુત્રી શ્રેતા (ઉં.વ.૨૯)નાં લગ્ન બે વર્ષ અગાઉ ઓઢવના ઋષભનગરમાં રહેતા અને આશ્રમરોડ પર વિઝા-પાસપોર્ટનું કામકાજ કરતા નિસર્ગભાઇ પંડ્યા સાથે થયાં હતાં.

લગ્નના બે માસ બાદ શ્રેતાએ તેનાં માતા-પિતાને જણાવ્યું હતું કે, ‘મારાં સાસુ-સસરા મને સ્ટેટસ પ્રમાણે રહેવું પડશે, સારાં મોંઘાં કપડાં પહેરવાં પડશે તેમ કહી બંગલાનું કામ કરાવે છે, ત્રણ-ત્રણ દિવસ સુધી જમવાનું નથી આપતાં અને ચણા-મમરા જમવામાં આપે છે. આ અંગે શ્રેતાનાં માતા-પિતાએ સાસરિયાં સાથે વાત કરતાં તમે સ્ટેટસ મુજબ દહેજ નથી આપ્યું તેમ જણાવી તમારી દીકરીને લઈ જાવ તેમ કહેતાં શ્રેતાને તેઓ તેમના ઘરે લઈ ગયાં હતાં.’

થોડા સમય બાદ શ્રેતાને સાસરિયાંવાળાએ ઘરે આવવા દબાણ કરતાં તે સાસરિયાંમાં ગઈ હતી. દરમિયાનમાં પરમ દિવસે રાત્રે શ્રેતાએ પોતાની સાસરીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. લોકો અને પોલીસને જાણ કરતાં પહેલાં તેનાં સાસરિયાંઓએ શ્રેતાની લાશને નીચે ઉતારી લીધી હતી અને તેનાં પરિવારજનોને જાણ કરી હતી.
ઓઢવ પોલીસ સ્ટેશનમાં આ અંગે પ‌િરણીતાના પિતાએ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like