‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સરદાર વલ્લભભાઈની પ્રતિમા ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રને અર્પણ થશે

અમદાવાદ, ગુરુવાર
વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટ અને વિશ્વની સૌથી વિરાટ એવી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮ર મીટર ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ પ્રોજેકટ હવે પૂરો થવાની તૈયારીમાં છે. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીના અવસરે આ સૌથી વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ૩૧ ઓકટોબરે રાષ્ટ્રને અર્પણ થાય તે માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ચૂકી છે.

સરકારે તેની સમયસીમા નક્કી કરી લીધી છે. તાજેતરમાં જ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની કામગીરીની સમીક્ષા બાબતે સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી. ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની તમામ કામગીરી સપ્ટેમ્બર માસમાં પૂરી થવાની ગણત્રી છે. ત્યારબાદ બ્રોન્ઝ પેનલનું કામ આગળ હાથ ધરાશે.

હાલમાં ૧૮ર મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની પ્લિન્થ અને પિલરનું કામ પૂરું થયું છે. સાથે સાથે બ્રોન્ઝ પેનલ લગાવવાની કામગીરી પણ શરૂ થઇ ચૂકી છે. ‘સ્ટેચ્યૂ સાથે જોડાયેલા મુખ્ય માર્ગને જોડતા બ્રિજની કામગીરી પણ પૂરી થઇ ચૂકી છે. ટૂંક સમયમાં સરદાર પટેલના સ્ટેચ્યૂના ચહેરાની કામગીરી હાથ ધરાશે. સ્ટેચ્યૂ માટે પ૬૦૦ મેટ્રિક ટન સ્ટીલ, ૬૬૦૦૦ મેટ્રિક ટન કોંક્રિટ અને ૧૯૦૦ મેટ્રિક ટન કાંસાનો ઉપયોગ કરાયો છે. આગામી ઓકટોબર માસમાં બાકી રહેલી તમામ કામગીરી પૂરી કરાશે.

સરદાર સરોવર નિગમના એમ.ડી. અને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના ઇન્ચાર્જ એસ.એસ. રાઠોડે આ કામગીરી ઓકટોબર માસમાં પૂરી થવાની શક્યતા બતાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાતે આ સમગ્ર પ્રોજેકટ પર નજર રાખી રહ્યા છે.

સ્ટેચ્યૂ માટે હાઇ સ્પીડ લેવલ એલિવેટર લગાવવાની કામગીરી ચાલુ છે. તેમજ સરદાર પટેલના જીવન પર આધારિત મ્યુઝિયમ અને ઓડિયો વિઝ્યુઅલ ગેલેરી સહિત લેસર શો અંગેની કામગીરી આગળ ધપી રહી છે. જેમાં લેસર લાઇટ અને સાઉન્ડ શો રિસર્ચ સેન્ટર અને લિફટ હશે.

You might also like