મૂર્તિ નહીં, અહીં આર્ટિસ્ટો ઘડાઈ રહ્યા છે

કલા-કારીગરી માટે ભારત અને ભારતીય સંસ્કૃતિ પ્રખ્યાત છે. જૂના જમાનાના આ કારીગરો દ્વારા ભારતનાં મંદિરોમાં કંડારાયેલાં શિલ્પો બેનમૂન છે. સોમનાથ, દ્વારકા કે મોઢેરાના સૂર્યમંદિરનાં શિલ્પો પણ જગપ્રખ્યાત છે. જોકે અંબાજી અને ધ્રાંગધ્રામાં આવેલી સંસ્થાઓ પથ્થરો નહીં, કારીગરોનું ઘડતર કરી રહી છે.

અરવલ્લીની ગિરિમાળામાં ઘેરાયેલા યાત્રાધામ અંબાજીનો લાલ પથ્થર અને આરસ પ્રખ્યાત છે, તો સુરેન્દ્રનગરથી ૩૦ કિલોમીટર દૂર આવેલું ધ્રાંગધ્રા તેના સેન્ડસ્ટોન માટે પ્રખ્યાત છે. આરસનો સંગેમરમરનો પથ્થર મંદિરોની શોભા વધારે છે, સેન્ડસ્ટોન આજે પણ લોકોમાં આકર્ષણરૂપ છે.

આરસ અને સેન્ડસ્ટોનની આવરદા વર્ષો સુધી ટકી રહેતી હોવાથી મંદિર, જિનાલયો કે મોટાં ભવનોનાં શિલ્પ સ્થાપત્યોમાં તેનો ઉપયોગ થાય છે. પથ્થરોનું મહત્ત્વ ધરાવતાં આ બંને સ્થળોએ સ્ટોન આર્ટિઝૅન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (સાપ્તિ)ની સ્થાપના ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવી છે. આ સંસ્થા પથ્થરોમાંથી માત્ર મૂર્તિઓ જ નહીં, પથ્થર ઘડનાર કારીગરોનું પણ યોગ્ય ઘડતર કરી રહી છે.

ઘડાયેલા શિલ્પીઓ શિલ્પો ઘડે છે
અંબાજી અને ધ્રાંગધ્રામાં છેલ્લાં પાંચ વર્ષથી સ્ટોન આર્ટિઝૅન પાર્ક કાર્યરત છે, જે શિલ્પકળાની વ્યાવસાયિક તાલીમ આપતી ભારતની ગણનાપાત્ર સંસ્થા છે અને સ્ટોન ટ્રેનિંગ સેન્ટર દ્વારા પથ્થરના શિલ્પકારો માટેનો અભ્યાસક્રમ ચલાવવામાં જેમાં થિયરીના અભ્યાસ બાદ સ્ટોન મશીન પર પ્રેક્ટિકલ સમજણ વડે આર્ટિસ્ટોનું ઘડતર કરવામાં આવે છે. ધ્રાંગધ્રાની ખાણમાંથી નીકળતા પથ્થરો મંદિર નિર્માણ માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે.

અડાલજની વાવ, હેરિટેજમાં સ્થાન પામેલી પાટણની રાણકી વાવ, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, અમદાવાદની સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, સાળંગપુરનો દરવાજો અને વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ સહિતનાં પ્રખ્યાત બાંધકામો ધ્રાંગધ્રાના સેન્ડસ્ટોનમાંથી નિર્માણ પામ્યાં છે. તો અરવલ્લીની ગિરિમાળામાંથી મળતાં આરસના પથ્થરથી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ઉપરાંત અનેક દેવાલયો-જિનાલયોનું નિર્માણ થયું છે ત્યારે આવાં સ્થળોએ શિલ્પકારોનું નિર્માણ થતું હોય તે બાબત ખરેખર સર્જનાત્મક છે.

પથ્થરના પગથિયેથી કારકિર્દીની શરૂઆત
અંબાજી ખાતે આરસ એટલે કે વ્હાઈટ મારબલના પથ્થર પર ધ્રાંગધ્રામાં સેન્ડસ્ટોન પર શિલ્પકામ થાય છે. સ્ટોન ટેક્નોલોજી સેન્ટરના ટ્રેનિંગ ડિવિઝનના હેડ વિક્રાંત રસ્તોગી કહે છે, ‘સ્ટોન આર્ટિઝૅન પાર્કમાં વિદ્યાર્થીઓને હસ્ત શિલ્પકલા અને યંત્રો દ્વારા પથ્થરોને કંડારવાની કલાકારીગરી શીખવવામાં આવે છે. આ માટેના અભ્યાસક્રમના એક વર્ષીય એન્ટરરપ્રાઈઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ચાર માસનો મશીન ઓપરેશન ફોર સ્ટોનક્રાફ્ટ એમ બે કોર્સ ચલાવવામાં આવે છે.

આ ઉપરાંત એક અઠવાડિયાનો એન્ટ્રી લેવલ જોબસિકર્સ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ નિપુણ શિલ્પીઓનું નિર્માણ કરવાનો છે. અહીં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિલ્પકામની તાલીમ અપાય છે. બહારથી આવતા વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા પણ અપાય છે. આ ઉપરાંત દરરોજનું ૧૦૦ રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવે છે. આ બધી સુવિધાને કારણે તાલીમાર્થી તાલીમમાં રુચિ કેળવે છે, જેના લીધે શિલ્પકળામાં ઉત્કૃષ્ટ કૌશલ્યનું સર્જન થઈ શકે.’

૪૦ વર્ષથી મંદિર નિર્માણમાં કાર્યરત અને સ્ટોન આર્ટિઝૅન પાર્કના પાયાના પથ્થર સમાન ઘનશ્યામ સોમપુરા કહે છે, ‘શિલ્પશાસ્ત્રના નિયમ મુજબ મંદિર નિર્માણ થાય છે, જે માટે પથ્થરની ગુણવત્તા અને જમીનનું નિરીક્ષણ કરવામાં આવે છે. સ્ટોન પાર્કમાં મંદિરના શિલ્પકામ સાથે મૂર્તિઓ અને રોમન આર્ટ શીખવવામાં આવે છે. અમદાવાદના પ્રખ્યાત માનવ મંદિરમાં મા અંબાની પ્રતિકૃતિવાળું કમળ મંદિર પણ આ કળાનો જ એક ભાગ છે. જે માટે ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો.’

વિદ્યાર્થીઓને મંદિર નિર્માણ અને મૂર્તિઓ કંડારવાની તાલીમ આપતા વિજય સોમપુરા કહે છે, ‘સ્ટોન આર્ટિઝૅન પાર્કમાં ખરા અર્થમાં શિલ્પીઓનું નિર્માણ થાય છે. અહીં વિદ્યાર્થીઓને મંદિર નિર્માણમાં ખડસલ, કુંભી, થાંભલો, કાંઠાસરુ, પાટ, કોઠલો, છજું, ઘુમ્મટ અને શિખરના બારીકાઈ સાથેના શિલ્પીકામની તાલીમ અપાય છે.’ અંબાજી ખાતેના આર્ટિઝૅન પાર્કમાં મંદિર નિર્માણની વસ્તુઓ ઉપરાંત ખાંડણી-દસ્તો, ફૂલદાની જેવી ઘર ઉપયોગી ચીજવસ્તુઓ ઉપરાંત રમકડાંનું પણ નિર્માણ થાય છે અને તેનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવે છે.

સ્ટોન પાર્કમાં તાલીમ લેતો વિદ્યાર્થી સંદીપ મેવાડા કહે છે, ‘હું અહીં મંદિરનું શિલ્પકામ શીખું છું. પ્રથમ બતક અને હાથીની પ્રતિકૃતિ બનાવી એટલે કંઈ નવી જ વસ્તુનું સર્જન કર્યું તેવી અનુભૂતિ થાય છે.’ તો રૂપકામમાં રુચિ ધરાવતો સંદીપ કહે છે, ‘શિલ્પકામની તાલીમ સાથે સ્ટાઈપેન્ડ આપવામાં આવે તે આવકાર્ય બાબત છે. જેનાથી શિલ્પકામ શીખવા માગતા યુવાનોને પ્રેરણા મળી રહે છે.’

તાલીમ બાદ નિર્માણમાં ઝંપલાવ્યું
અહીં તાલીમ મેળવીને મંદિર નિર્માણ શરૂ કરનાર સુરેશ રાઠોડ કહે છે, ‘ત્રણ વર્ષ પહેલાં મેં અહીં યંત્ર દ્વારા પથ્થર પર શિલ્પકામ કરવાની તાલીમ મેળવી હતી. હું હાલમાં મંદિર પરના કળશ, થાંભલી ઉપરાંત ફલાવર પોટ અને ફાઉન્ટન સહિતના સ્ટેચ્યુ ઘડી શકું છું.’ તો અન્ય તાલીમાર્થી શબીર જામ શિલ્પ હસ્તકળા અને મંદિરના મથાળા બનાવવાની તાલીમ લઈ રહ્યો છે. આજે શિલ્પકળા ભુલાતી જાય છે ત્યારે સ્ટોન આર્ટિઝૅન પાર્કમાં ઘડાઈ રહેલા શિલ્પીઓ આ કળાને ઉજાગર કરી શકશે.

સ્ટોન આર્ટિઝૅન પાર્કના શિક્ષક નિરાકાર ઓઝા વિદ્યાર્થીઓને હસ્ત નકશીકામમાં પથ્થરને સમતલ કરવો, કાગળ પર તૈયાર કરેલી ડિઝાઇન કાર્બાઇડ ટુલ્સ વડે પથ્થર પર આબેહૂબ કંડારવી જેવી તાલીમ આપી રહ્યા છે, તો લેથ મશીન ઇન્સ્ટ્રક્ટર જગદીશ ગઢવી તાલીમાર્થીઓને પથ્થરોની માહિતી આપીને ટુલ્સની મદદથી પથ્થરમાં સ્ટેપ બનાવવાની તાલીમ આપે છે.

તેઓ કહે છે, ‘ફલાવર પોટ અને ફાઉન્ટેન સહિતના સ્ટેચ્યુની ચોક્કસ ડિઝાઇન લેથ મશીનમાં જ બનાવી શકાય છે, હસ્ત શિલ્પકલામાં તે શક્ય નથી. તો સ્ટોન પાર્કમાં તાલીમ લઈ ચૂકેલા દિવ્યરાજસિંહ વાઘેલા હવે અહીં જ વિદ્યાર્થીઓને મૂર્તિઓની જુદી જુદી ડિઝાઇનો શીખવે છે. આ માટે ધ્રાંગધ્રા નજીકના રાજગઢનો દાણાવાળો પથ્થર બારીક નકશીકામમાં ઉપયોગી થાય છે.

૭૦૦થી વધુ શિલ્પીઓ તૈયાર કર્યા
સ્ટોન ટ્રેનિંગ સેન્ટરે અત્યાર સુધીમાં અંબાજી અને ધ્રાંગધ્રાના સ્ટોન આર્ટિઝૅન પાર્કમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપીને મંદિર નિર્માણના કાબેલ કારીગરો આખા ગુજરાતને આપ્યા છે. શિલ્પકામનો કોર્સ કરનાર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર માન્ય ગુજરાત કમિશન ફોર વોકેશનલ ટ્રેનિંગ સંસ્થા (જીસીવીટી)નું પ્રમાણપત્ર આપવામાં આવે છે. સ્ટોન પાર્કમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા શિલ્પોનું અંબાજી, જયપુર, બેંગ્લોર અને અમદાવાદ સહિતનાં શહેરોમાં પ્રદર્શન અને વેચાણ કરવામાં આવે છે. આવાં શિલ્પોમાંથી જે આવક થાય તેની સંપૂર્ણ રકમ રાજ્ય સરકારમાં જમા થાય છે.

પથ્થર ઓળખનો અભ્યાસ ચલાવાશે
શિલ્પકળાનું કામકાજ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ મહામૂલું છે. આગામી વર્ષોમાં સ્ટોન આર્ટિઝૅન પાર્કમાં આર્ટની તાલીમ અંગેના નવા કોર્સીસ શરૂ કરવામાં આવશે. જેમાં તાલીમાર્થીઓને પથ્થરની પરખ કરતાં પણ શીખવવામાં આવશે. જેથી મંદિર જેવા કાર્યમાં ઝીણવટભરી કામગીરી થઈ શકે. આ ઉપરાંત ન્યુમેટિક હેમરથી પથ્થર પર રૂપકામની તાલીમ પણ શરૂ કરવામાં આવશે.

રાજ્ય સરકારની વિરાસતરૂપ મિલકતોનું રિનોવેશન પુરાતત્ત્વ ખાતા દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ દ્વારા આપી દેવામાં આવે છે તે જો સ્ટોન આર્ટિઝૅન પાર્કમાંથી તાલીમ પામેલા કુશળ કારીગરોને આપવામાં આવે તો સરકારી વિરાસત પણ યોગ્ય રીતે સચવાય અને કારીગરોને રોજગારી પણ મળી રહે તો સ્ટોન આર્ટિઝૅન પાર્કનો હેતુ સાર્થક થયો ગણાય. પ્રાચીન મંદિરોના નવનિર્માણમાં પણ આ શિલ્પીઓનો સરકાર લાભ લઈ શકે તેમ છે.

સ્ટોન આર્ટિઝૅન પાર્કમાં ખરા અર્થમાં શિલ્પીઓનું નિર્માણ થાય છે. અહીં વિદ્યાર્થીઓને મંદિર નિર્માણની સાથે કુંભી, થાંભલો, પાટ, છજુ, ઘુમ્મટ અને શિખરના શિલ્પકામની તાલીમ પણ અપાય છે. :
વિજય સોમપુરા, શિક્ષક, સ્ટોન આર્ટિઝૅન પાર્ક, ધ્રાંગધ્રા

-કેવલ દવે

You might also like