વડોદરા રાજ્યનાં સૌથી ઉંચા રાષ્ટ્રધ્વજનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

વડોદરા : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગુજરાતનાં સૌથી ઉંચા 67 મીટરનાં રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કર્યું હતું. વડોદરા શહેરનાં સમા તળાવ પાસે બનાવાયેલ ફ્લેગ ગાર્ડનમાં લહેરાવવામાં આવલા રાષ્ટ્રીય ધ્વજને નિહાળવા માટે મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા. ઉપરાંત તેમણે ગુજરાતનું પ્રથમ રૂફ ટોપ સોલાર સિસ્ટમ સાથેનાં અત્યાધુનિક હરણી પોલીસ મથકનું ઉદ્ધાટન કર્યું હતું.

જો કે આ પ્રસંગોચિત ભાષણ આપતા તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ચોટલી કાંડ બોગસ અને ઉપજાવી કાઢેલું ષડયંત્ર છે. અત્રે નોંધનીય છે કે હરણી હનુમાનજી મંદિર આગળ 1.33 કરોડનાં ખર્ચે બનાવાયેલ અત્યાધનિક સુવિધાથી સજ્જ હરણી પોલીસ મથકનાં ઉદ્ધાટન બાદ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકારો સાથે પણ ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીએ વધારેમાં જણાવ્યું કે, ગુજરાતનો સૌથી મોટો 67 મીટર ઉંચો રાષ્ટ્રધ્વજ વડોદરામાં બનાવવામાં આવ્યો છે. જે માત્ર વડોદરા જ નહી પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આ રાષ્ટ્ર ધ્વજ શહેરનું એક નજરાણું બની રહેશે. વડોદરા સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો છે. ત્યારે આ ફ્લેગ વડોદરાની સુંદરતા અને સંસ્કૃતીમાં ઉમેરો કરશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સંસ્કારી નગરી તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ વડોદરા શહેરની યશ કલગીમાં એક વધારે પીંછુ ઉમેરાયું છે.

You might also like