રાજ્યના માનદ વેતનવાળા હજારો કર્મીઓ ત્રણ માસથી પગાર વંચિત

ગાંધીનગર : ગતિશીલ ગુજરાતમાં કરોડો રૂપિયા વિવિધ મહોત્સવો પાછળ વેડફાયા છે. જ્યારે રાજ્ય સરકારમાં કાર્યરત ૪૦ હજાર હોમગાર્ડ જવાનો, ૩,૦૦૦ જેટલાં કૌશલ્યવર્ધન કેન્દ્રોના કર્મચારીઓ, ૬૦,૦૦૦થી વધુ મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓ,૩૦,૦૦૦ જેટલી આંગણવાડીના કર્મચારીઓ, આશાવર્કરો, હેલ્થ વર્કરોને નિયમ મુજબ ચૂકવાતું નજીવું વેતન અપાઈ છે. આમ છતાં સરકાર દ્વારા ત્રણ ત્રણ મહિનાથી આ કર્મચારીઓને તેમનો પગાર ચૂકવાયો નથી.

તેને તાકીદે ચૂકવવા માટે કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ માંગણી કરી છે. ડૉ. દોશીએ જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લાં ૧૪ વર્ષના ભાજપના શાસનમાં પ્રવશોત્સવ, ગુણોત્સવ, નવરાત્રિ મહોત્સવ, પતંગોત્સવ, કૃષિ મહોત્સવ, રણોત્સવ, પોળો ઉત્સવ સહિતના મેળાવડા પાછળ રૂ.૧૪૦૦ કરોડ કરતાં વધુ રકમ સરકારી તિજોરીમાંથી વેડફી છે. તેના કરતાં બમણાં નાણાં એટલે કે ર૮૦૦ કરોડ રૂપિયા જાહેરાતો અને વ્યક્તિગત બ્રાન્ડિંગ, ફોટોગ્રાફી-વિડિયોગ્રાફીમાં વેડફાયા છે.

જ્યારે રાજ્યમાં વિવિધ વિભાગો જેમ કે મધ્યાહ્ન ભોજન યોજના, શ્રમ અને રોજગાર વિભાગ, કૌશલ્યવર્ધન કેન્દ્રો, આંગણવાડી, રોજગાર કચેરી, આશાવર્કર, લિન્ક વર્કર, હોમગાર્ડ જવાનો સહિતના હજારો કર્મચારીઓને અપાતું સામાન્ય વેતન પણ ત્રણ ત્રણ મહિનાથી ચૂકવવામાં આવ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે મધ્યાહ્ન ભોજના યોજનાના કેન્દ્ર સંચાલકો, રસોઈયા અને મદદનીશો માસિક રૂ. ૧,૦૦૦/નું ચૂકવવા પાત્ર વેતન ત્રણ મહિનાથી ચૂકવાયું નથી. કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કાર્યરત ૩,૦૦૦ કર્મચારીઓને ચાર મહિનાથી પગાર ચૂકવાયો નથી.

રોજગાર કચેરીમાં કોન્ટ્રાક્ટથી નિયુક્ત કેરિયર કાઉન્સિલરને ત્રણ મહિનાથી પગાર નથી ચૂકવાયો. રાજ્યના ૪૦,૦૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને અનેક વખત ત્રણ ત્રણ મહિને પગાર ચૂકવાય છે. આંગણવાડીમાં પણ ત્રણ ત્રણ મહિના સુધી પગાર ચૂકવાતો નથી. ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા નીતનવા સૂત્રો, બજેટમાં નાણાં ફાળવણી અને મોટા મોટા પેકેજોની જાહેરાત કરાય છે.

હકીકતમાં ભાજપ સરકારની વહીવટી અણઆવડત, બેફામ ખર્ચા અને ભ્રષ્ટાચારને કારણે રાજ્યની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

You might also like