રાજ્યની ખાનગી કરતાં જાહેર ક્ષેત્રની કંપનીઓ ૨૦૧૬માં સવાઈ પુરવાર થઈ

અમદાવાદ: શેરબજારમાં પાછલા કેટલાક સમયથી નરમાઇનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નિફ્ટી ૮૧૦૦ની સપાટીની આસપાસ ટ્રેડિંગમાં જોવાઇ છે, જોકે વર્ષના ડેટા જોઇએ તો કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં અત્યાર સુધીમાં સેન્સેક્સમાં માત્ર ૦.૯૮ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે.

રાજ્યની લિસ્ટેડ કંપનીઓની વાત કરીએ તો મોટા ભાગની ખાનગી લિસ્ટેડ કંપનીઓના શેરમાં નકારાત્મક ચાલ નોંધાતી જોવા મળી હતી, જોકે તેની સામે જાહેર ક્ષેત્રની કંપનીઓ સવાઇ પૂરવાર થઇ છે.  ગુજરાત ગેસ સિવાયની તમામ જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. આ કંપનીઓના શેરમાં નવથી ૧૭૦ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ રાજ્યની ખાનગી સેક્ટરની મોટા ભાગની કંપનીઓના શેરમાં ઘટાડાની ચાલ જોવાઇ હતી. ખાસ કરીને ટોરેન્ટ ફાર્મા, એલેમ્બિક ફાર્મા, દિશમાન ફાર્મા જેવી કંપનીના શેરમાં ૧૦થી ૩૭ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે કેલન્ડર વર્ષ ૨૦૧૬માં કેડિલા હેલ્થકેર કંપનીના શેરમાં ૧૩ ટકા રિટર્ન છૂટ્યું હતું.

નાની અને મધ્યમ કદની કંપનીઓના શેરમાં રોકાણકારો ધોવાયા હતા. ખાસ કરીને સિમ્ફની, સિન્ટેક્સ, ગુજરાત પીપાવાવ, ગણેશ હાઉસિંગ કંપનીના શેરમાં ચાલુ વર્ષમાં ૪૮ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષમાં શેરબજારમાં રોકાણ કરનારાઓને નિરાશા જોવા મળી હતી અને તેની અસર રાજ્યની કંપનીઓના શેરમાં નોંધાઇ હતી, જોકે રાજ્યની ખાનગી કંપનીઓના પર્ફોર્મન્સમાં જોવા મળેલા સુધારાના પગલે રોકાણકારોની નીચા મથાળે નોંધાયેલી લેવાલીના પગલે આ શેરમાં સકારાત્મક ચાલ જોવાઇ હતી.

રાજ્યની કંપનીના શેરમાં એક વર્ષમાં વધ-ઘટ
કંપનીનું નામ                        ટકાવારીમાં
વધ-ઘટ
અરવિંદ                                  – ૪.૪૮
અદાણી એન્ટરપ્રાઈઝ           – ૧૨.૦૪
અદાણી પોર્ટ                          – ૬.૧૫
અદાણી પાવર                       – ૩.૧૨
ટોરેન્ટ ફાર્મા                            – ૧૦.૫૯
એલેમ્બિક ફાર્મા                       – ૧૦.૩૭
ગુજરાત પીપાવાવ                – ૩.૫૪
અતુલ ઓટો                            – ૨૨.૪૪
દિશમાન ફાર્મા                        – ૩૭.૮૨
સદ્ભાવ એન્જિ.                          – ૨૦.૫૨
ગણેશ હાઉસિંગ                       – ૪૮.૮૮
સિમ્ફની                                   – ૪૮.૪૩
સિન્ટેક્સ                                  – ૨૫.૭૪
વેલસ્પન કોર્પ.                        – ૩૩.૯૧
વેલસ્પન એન્ટરપ્રાઈઝ           – ૭.૮૧
જીએચસીએલ                         + ૮૭.૩૧
અદાણી ટ્રાન્સમિશન               + ૪૭.૨૨
વેલસ્પન ઈન્વેસ્ટમેન્ટ            + ૪૨.૮૫
અતુલ લિમિટેડ                       + ૨૯.૫૨
કેડિલા હેલ્થકેર                        + ૧૩.૭૬
સદ્ભાવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર               + ૦.૨૦
ઝાયડસ વેલનેસ                   + ૦.૧૧
ટોરેન્ટ પાવર                          + ૨.૮૯

રાજ્યનાં જાહેર ક્ષેત્રનાં એકમો
કંપનીનું નામ                 ટકાવારીમાં
વધ-ઘટ
જીએનએફસી                + ૧૭૭.૫૦
જીએમડીસી                  + ૯૧.૮૦
જીઆઇપીસીએલ          + ૨૦.૯૮
જીએસએફસી                + ૯.૫૨
જીએસપીસી                  + ૫.૧૪
ગુજરાત ગેસ                  – ૧૨.૩૦

You might also like