રાજ્યમાં ગરમીનો કહેરઃ દરરોજ ૨૫થી ૩૦ લોકો બેભાન થાય છે

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર છેલ્લા છ દિવસથી યથાવત્ છે. આકાશી અગનવર્ષા વચ્ચે જેમને ફરજિયાત બહાર નીકળવું પડ્યું છે તેવા લોકોને બીમારીના કારણે ઇમર્જન્સીની સેવા લેવી પડી છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં ૩ર૦થી વધુ લોકોને ૧૦૮ ઇમર્જન્સી સેવાનો સહારો લેવો પડ્યો છે, જેમાં બે દિવસની અંદર ૭ર લોકો ગરમીના કારણે બેભાન થયા હતા.

ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે પેટનો દુખાવો, બીપી, છાતીમાં દુખાવો, બેભાન થવું, પડી જવું, ઊલટીઓ થવી વગેરે કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા છ દિવસ દરમ્યાન ઇમર્જન્સી સેવા ૧૦૮ને શહેરમાંથી ૯૬૪થી વધુ કોલ મળ્યા હતા અને રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ૧રપ૦થી વધુ લોકોએ ઇમર્જન્સી સેવાનો લાભ લીધો હતો.

૯ મેના રોજ આવા કેસની સંખ્યા ૧૭૮ હતી, જે ૧૦મીએ ઘટીને ૧૧૮ થઇ હતી. ત્યારબાદ ૧૧ મેના રોજ આ સંખ્યા વધીને ૧૭૦, ૧ર મેએ ૧૬૧, ૧૩મીએ ૧૮૭ અને ગઇ કાલે ૧૩૩ નોંધાઇ હતી.

૪૧ને ચક્કર આવવા અને ૮૩ લોકોને પેટમાં દુખાવા જેવાં દર્દ થયાં હતાં તેમજ છાતીમાં દુઃખાવાના ૪૩ કેસ નોંધાયા હતા. પ૦થી વધુ કેસ બે દિવસમાં જ ઇમર્જન્સીમાં ઝાડા-ઊલટીના નોંધાયા હતા, જ્યારે છેલ્લા છ દિવસમાં ૧૭૬થી વધુ લોકો મ‌ૂર્છિત થયા હતા.

ગરમીએ અત્યાર સુધીમાં બેનો ભોગ લીધો છે. ગઇ કાલે સવારે ૩૦ લોકો બેભાન થયા હતા. ૩૩ લોકોને પેટના દુખાવાની ફ‌િરયાદ થઇ હતી. ૩૪ લોકોને બીપી, ચક્કર આવવા, છાતીમાં દુઃખાવો રપથી વધુને ઝાડા-ઊલટી થયાની ફ‌િરયાદ મળી હતી.

You might also like