રાજ્યમાં હવે આઇએમએસ અધિકારીઓની નિમણૂક થશે

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં હવે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની જેમ હવે આઇએમએસ (ઇન્ડિયન મેડિકલ સર્વિસ) અધિકારીની નિમણૂક કરવાની તૈયારીઓનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. આરોગ્ય ક્ષેત્રે સુધારાઓ કરવા માટે નિષ્ણાતો તૈયાર કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે આઇએએસ અને આઇપીએસ અધિકારીની જેમ જ આઇએમએસ અધિકારી બનવા માટેની પાત્રતા માટે પરીક્ષા લેવામાં આવશે. નીતિ આયોગ દ્વારા કેન્દ્ર સરકારને એક દરખાસ્ત મોકલવામાં આવી હતી.

આ દરખાસ્ત કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને મોકલી આપી હતી તે અનુસાર રાજ્યમાં આરોગ્યને લગતી સેવાઓને સુધારવા માટે આઇએમએસ એટલે કે ઓલ ઇન્ડિયા મેડિકલ સર્વિસની રચના કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગ સહિતના સંલગ્ન વિભાગો દ્વારા સૂચનો મગાવાયા બાદ રાજ્ય સરકારે દરખાસ્ત બનાવી છે. જે કેન્દ્રમાં આગામી સપ્તાહે મોકલવામાં આવશે. આઇએમએસ અધિકારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગને જોડતી કડી બનશે.

ડોક્ટર અને મેડિકલની ડિગ્રી પ્રાપ્ત કરનાર ઉમેદવાર જ આઇએમએસ માટે પરીક્ષા આપવા પાત્ર બનશે. તેની એક ચોક્કસ વય મર્યાદા નક્કી કરવામાં આવશે. પરીક્ષા આઇએએસ અને આઇપીએસના ઉમેદવારોની લેવાય છે તે કક્ષાની હશે. પાસ થનારને તેમની જેમ જ વિશેષ તાલીમ આપવામાં આવશે.

પગાર સહિતના લાભ પણ તે જ પ્રમાણે આપવામાં આવશે. આઇએમએસ રાજ્યમાં આરોગ્યને લગતી તમામ બાબતોનું ધ્યાન રાખશે. હેલ્થ મેનેજમેન્ટની તમામ જવાબદારી અધિકારીની રહેશે અને આરોગ્યને લગતી બાબતો અંગેના સૂચનો પણ તેમણે કરવાનાં રહેશે.
http://sambhaavnews.com/

You might also like