પ્રાથમિક શાળામાં નાપાસ થયેલા બાળકોને ઉપલા વર્ગમાં ધક્કો ન મારો

અમદાવાદ: ધોરણ ૧થી ૭ના બાળકો નાપાસ થાય તો તેમને ઉપરના વર્ગમાં બઢતી આપવાની નીતિ અમલમાં છે પરંતુ રાજ્ય સરકારે પ્રાથમિક શાળાના નાપાસ વિદ્યાર્થીઓને બઢતી નહીં આપીને નાપાસ કરવાની ભલામણ કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે.

આ અંગે પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ શિક્ષણ નિયામક ભરત પંડિતે જણાવ્યું હતું કે હાલમાં આ નિયમ અમલી નથી પરંતુ ભવિષ્યમાં થઈ શકે છે. કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તે પ્રમાણે તેનું પાલન કરવામાં આવશે.

ધોરણ એકથી સાતના વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની જોગવાઈના કારણે શિક્ષણની ગુણવત્તા પર અસર પડે છે તેવો મત છે. જોકે સમિતિએ ધો ૧થી ૪ના વિદ્યાર્થીઓને આમાંથી બાકાત રાખવાનું જણાવ્યું હતું. જેના માટે તમામ રાજ્ય પાસેથી મંગાવવામાં આવેલાં સૂચનો અને વાંધાઓ મુજબ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પણ નાપાસ વિદ્યાર્થીઓને બઢતી ન આપવી જોઈએ તેવી ભલામણ કરી છે.

કમિટીમાં કરવામાં આવેલી ચર્ચા મુજબ કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ નહીં થવાના વિશ્વાસના કારણે અભ્યાસ પ્રત્યે બેદરકાર બને છે. ઉચ્ચ અભ્યાસ સમયે વિદ્યાર્થીઓના શિક્ષણનો પાયો નબળો રહેલો હોવાથી ઉપલા વર્ગમાં તે નાપાસ થાય છે અને ધો. ૧૦ કે ૧૨માં નાપાસ થવાના કારણે વધુ અભ્યાસ કરવાની છોડી દેતાં બાળકનો વિકાસ અટકે છે અને તેનો આત્મવિશ્વાસ પણ નબળો પડે છે. આવા અનેક કારણોસર શૈક્ષણિક રીતે નબળાં બાળકોને ચઢાવો પાસ કરવાના બદલે નાપાસ કરવાની ભલામણ પ્રત્યે ખુદ રાજ્ય સરકાર પણ હકારાત્મક અભિગમ ધરાવે છે.

You might also like