રાજ્ય સરકારની દિવાળી ભેટ, વેટ ચાર ટકા ઘટાડ્યો, પેટ્રોલ ` ૨.૯૩, ડીઝલ ` ૨.૭૨ સસ્તું

અમદાવાદ: રાજ્ય સરકારે રાજ્યના લોકોને દિવાળીની ભેટ આપતાં પેટ્રોલમાં રૂ.૨.૯૩ અને ડીઝલમાં રૂ.૨.૭૨નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા ૨૪ ટકાના વેટમાં ૪ ટકાનો ઘટાડો કરાયો છે, જેના પગલે ગુજરાતમાં પેટ્રોલ રૂ.૬૭.૫૩ અને ડીઝલ રૂ.૬૦.૭૭ના ભાવે મળશે. નવો ભાવ આજ મધરાતથી અમલી બનશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જનતાને પેટ્રોલ અને ડીઝલમાં રાહત મળે એટલે તમામ રાજ્યને અપીલ કરી હતી કે રાજ્યો પોતાના ટેક્સમાં ઘટાડો કરે. ગુજરાત સરકારે તે જ દિવસે ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી. સામાન્ય જનતાની રાહત માટે નાણાં વિભાગ સાથે ચર્ચા-વિચારણા કરી પેટ્રોલ અને ડીઝલના વેટમાં ટેક્સના દરમાં ૪ ટકાનો ઘટાડો કરી પેટ્રોલમાં રૂ.૨.૯૩ ઘટાડવામાં આવ્યા છે અને ડીઝલમાં રૂ.૨.૭૨નો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી આજ રાતથી રાજ્યમાં પેટ્રોલ રૂ.૬૭.૫૩ અને ડીઝલ રૂ.૬૦.૭૭ના ભાવે મળશે. આ નિર્ણયથી રાજ્ય સરકારને રૂ. ૨૩૧૬ કરોડની અોછી અાવક થશે. ભારત સરકારે એક્સાઇઝ ઘટાડી ત્યારે ગુજરાતની પણ ટેક્સ ઘટાડવાની લાગણી હતી. કેન્દ્ર સરકારે જે અપીલ કરી તેના પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો ડીઝલનો વપરાશ કરે છે. એસટી, એએમટીએસ અને શહેરી બસની સેવામાં પણ ડીઝલ વપરાય છે. લાખો પરિવારોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે આ ઘટાડો કર્યો છે. જો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ન થયો હોત તો શક્ય છે કે એસટી અને અન્ય સંસ્થાઓમાં ભાડું વધારવું પડ્યું હોત. રાજ્ય સરકારની આવક પેટ્રોલ-ડીઝલ પર છે. રાજ્યના કર્મચારીઓનાં પગાર-ભથ્થાં અને વિકાસનાં કામો આ આવકમાંથી કરવામાં આવે છે. ઉદ્યોગો માટે પણ સરકારે ગેસમાં ઘટાડો કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અન્ય રાજ્યની હજારો ટ્રક ગુજરાતમાં આવે છે. ગુજરાતમાંથી ડીઝલ ભરાવશે માટે ટેક્સ ઘટાડવા છતાં વધુ ડીઝલના વેચાણમાં આવક સરભર થઈ શકશે. કેન્દ્ર સરકારની ભલામણ બાદ આખા દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે, જેણે ટેક્સમાં ઘટાડો કર્યો છે. કિંમત વધે તેમ રાજ્યની આવક વધતી હતી છતાં કેન્દ્ર પ્રમાણે ઘટાડો રાજ્ય સરકારે આપ્યો છે. સરકારે દિવાળીની ભેટ ગુજરાતની પ્રજાને આપી છે.

પેટ્રોલ-ડીઝલની આવક વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ૧૨૮૪૦ કરોડ આવક થઇ છે, જ્યારે ગયા વર્ષે ૧૧૧૬૦ કરોડ વર્ષની આવક થઇ હતી. રાજ્યમાં ૨૪ ટકા વેટ હતો, જે હવે ૨૦ ટકા વેટ થશે. રાજ્ય સરકારે બજેટમાંથી એસટીને મદદ કરી છે, વિદ્યાર્થીઓને ૮૫ ટકા રાહત આપી છે, દિવ્યાંગો માટે પણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. રાજ્ય સરકારે એસટીને આવક તરીકેનું સાધન ઊભું નથી કર્યું તેમ તેમણે જણાવ્યું હતું.

રાહુલ ગાંધીના પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું જ્ઞાન આ બાબતે સીમિત છે. જીએસટી કાઉન્સિલ આ બાબતે નિર્ણય લેતી હોય છે. જીએસટી કાઉન્સિલમાં નિર્ણય સર્વાનુમતે થયા છે. લોકસભા પણ જીએસટી કાઉન્સિલના નિર્ણયને બદલી ના શકે. રાહુલ ગાંધી કહે તેમ નિર્ણય ન થાય. કેટલો ટેક્સ લાગશે તે સર્વાનુમતે સંમતિથી લેવાય છે. કોઈ એમને સમજાવે અથવા સલાહ આપે તેમ તેમણે જણાવ્યું હતું.

સસ્તા અનાજમાં કમિશન અંગે તેમણે જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ સસ્તા અનાજની દુકાનના એસોસિયેશન દ્વારા કમિશનમાં વધારાની રાજ્ય સરકારને રજૂઆત કરાઈ હતી. નાણાં વિભાગ સાથે ચર્ચા કરીને ક્વિન્ટલદીઠ કમિશનમાં વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છેઽ જેથી હવે ૮૩ રૂપિયાની જગ્યાએ ૧૦૨ રૂપિયા ક્વિન્ટલદીઠ કમિશન આપવામાં આવશે.

You might also like