રાજ્ય સરકારને પણ બેનામી સંપત્તિની જપ્તી કરવાનાે અધિકાર હવે મળશે

અમદાવાદ: ૧૯૮૮ના બેનામી સંપત્તિના કાયદામાં હવે રાજ્ય સરકારને સત્તા આપવા સાથેના ધરખમ ફેરફારો આવી રહ્યા છે. જેને કારણે બેનામી સંપત્તિમાંના કેસમાંથી બાકાત રહેલાં તમામ પ્રકારનાં ટ્રસ્ટ પણ હવે આમાંથી છટકી શકશે નહીં. એટલું જ નહીં વારસાગત સંપત્તિના કેસમાં વારસદાર પાસેથી ટેકસ વસૂલવાની સત્તા પણ રાજ્ય સરકારને અપાશે. આ ઉપરાંત બેનામી સંપત્તિ જાહેર થયા બાદ જે સત્તા હાલમાં આયકર વિભાગ પાસે છે તે પણ રાજ્ય સરકારને મળે તેવા ધરખમ ફેરફારો આગામી માસે કાયદામાં સુધારા વધારા સાથે આવી રહ્યા છે.

ખોટી એફિડેવિટ કે ખોટી પાવર ઓફ એટર્ની કરવામાં આવી હોય અને તે બેનામી સંપત્તિ જાહેર કરવામાં આવે ત્યારે આયકર વિભાગની સાથે સાથે રાજ્ય સરકારને પણ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવશે એટલું જ નહીં મિલકતની ટ્રાન્સફર વખતે રાજ્ય સરકારના સ્થાનિક અધિકારીને તેની ચકાસણી કરવાની સત્તા મળશે. આ ઉપરાંત વારસાગત સંપત્તિના કિસ્સામાં વારસદાર પાસેથી પણ ટેકસ વસૂલાત, ટ્રસ્ટને પણ બેનામી સંપત્તિનાં પ્રકરણમાં દાખલ કરવામાં આવે તેવા ફેરફાર ટૂંક સમયમાં અમલી બનશે.

કેન્દ્ર સરકારે દરેક રાજ્યની સરકાર પાસે મગાવેલી ૧૪ જેટલી બાબતના સુધારા કરવા બાબતે ગુજરાત સરકારે તેની સહમતી ધરાવતો પત્ર કેન્દ્રને રજૂ કરી દીધો છે તેમ નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જે. એન. સિંહે જણાવ્યું હતું.

You might also like