ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી થશે. જોકે કેટલીક શાળાઓમાં ગૌણ વિષયોની પરીક્ષાની શરૂઆત વહેલી કરી દેવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા બોર્ડની પરીક્ષા પહેલાંની અંતિમ પરીક્ષા હોવાથી તેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા અગત્યની એટલા માટે છે કારણ કે આ પરીક્ષામાં તેમજ અગાઉ જે પ્રોજેકટ વગેરે કર્યા હોય કે વિદ્યાર્થીઓએ કોઇ અન્ય પ્રવૃત્તિ કરી હોય તે તમામના ૩૦ ટકા પ્રમાણેના માર્ક બોર્ડમાં મોકલવામાં આવશે. ૩૦ ટકા ગુણ એટલે કે ૩૦ માર્કમાંથી વિદ્યાર્થીએ વર્ષ દરમિયાન કરેલી કામગીરીના આધારે માર્ક આપવામાં આવશે. ત્યાર બાદ બોર્ડ દ્વારા ૭૦ માર્કની પરીક્ષા માર્ચ માસમાં લેવાશે. તેમાં ૩૦ ટકા શાળાકીય કક્ષાના માર્ક ઉમેરાઇને ફાઇનલ રિઝલ્ટ જાહેર કરાશે.

ધો.૧૦ અને ૧રની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા ૭ માર્ચથી શરૂ થશે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે ધો.૧રમાં ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેવી જ રીતે ધો.૧૦માં અત્યાર સુધી ૧૦.પ૦ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે ગત વર્ષે ૧૧ લાખ હતા. લેટ ફી ભરીને જે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે સહિત ચોક્કસ આંક હવે પછી જાહેર કરાશે. તેથી ધો.૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની હજુ શકયતા છે. ધો.૧૦ની પરીક્ષા સવારે ૧૦-૦૦ થી ૧-ર૦ સુધી જ્યારે ધો.૧રની પરીક્ષા બપોરે ૩-૦૦થી સાંજે ૬-૩૦ સુધી ૭ માર્ચથી લેવાશે જે ૧૯ માર્ચ સુધી ચાલશેે.

You might also like