શરૂઆત બગડી, સફર મુશ્કેલ થઈ

મુંબઇઃ  સ્ટાર સન હોવાનો ફાયદો હર્ષવર્ધન કપૂરને એ મળ્યો કે તેને રાકેશ ઓમપ્રકાશ જેવા ડિરેક્ટરની ફિલ્મ ‘મિર્જિયા’થી બોલિવૂડમાં પોતાની કરિયર શરૂ કરવાનો મોકો મળ્યો. જ્યારે પણ કોઇ કલાકાર કોઇ મોટા નિર્દેશકની મોટી ફિલ્મથી કરિયર શરૂ કરે તો બે-ચાર ફિલ્મો લાઇનમાં આવી જતી હોય છે. હર્ષવર્ધન સાથે પણ એવું થયું. ‘મિર્જિયા’નું શૂટિંગ પૂરું થતાં જ તેને ત્રણ મોટી ફિલ્મની ઓફર મળી. બધાંને લાગ્યું હતું કે તેમને હર્ષવર્ધનના રૂપમાં અલાદ્દીનનો ચિરાગ મળવાનો છે, પરંતુ ‘મિર્જિયા’ની રિલીઝ બાદ લોકો જાણે માથું ખંજવાળવા લાગ્યા. કોઇ પણ કલાકારના જીવનમાં હિટ અને ફ્લોપનો દોર ચાલતો જ રહે છે, પરંતુ કલાકાર પોતાની ટેલેન્ટથી સાબિત કરી દે છે કે આ વખતે ચૂક થઇ ગઇ તો કોઇ વાંધો નહીં, આગળ પણ મોકો આવશે, પરંતુ જે રીતે હર્ષવર્ધને ફિલ્મમાં એક્ટિંગ કરી તેને જોતાં ઘણી નિરાશા થઇ. તેની અંદર એ આગ જોવા ન મળી, જે એક કલાકારમાં હોય છે. તેને ફિલ્મમાં કામ કરવાનો મોકો માત્ર એટલે મળ્યો, કેમ કે તે અનિલ કપૂરનો પુત્ર છે.

હર્ષવર્ધને ફિલ્મની અસફળતા માટે માર્કેટિંગને જવાબદાર ગણાવ્યું. તેણે કહ્યું કે ફિલ્મની ઝલકે જ લોકોને પ્રભાવિત ન કર્યા. તેથી લોકો ફિલ્મ જોવા ન આવ્યા. તે એમ પણ કહે છે કે એક ખાસ પ્રકારના દર્શકોએ આ ફિલ્મ પસંદ કરી છે. મેં આ ફિલ્મને ઘણી વાર અલગ અલગ લોકો સાથે જોઇ છે. મને લાગતું નથી કે ફિલ્મમાં મારા પર્ફોર્મન્સમાં કોઇ પરિવર્તનની જરૂર હોય. હર્ષવર્ધનની આ બધી વાતો તો ઠીક છે, પરંતુ એ પણ સચ્ચાઇ છે કે કલાકારને એક્ટિંગ પણ આવડવી જોઇએ. એક પિતા હોવાના નાતે અનિલ કપૂર દુઃખી છે કે તેના પુત્રએ બોલિવૂડમાં આવી શરૂઆત કરી. તે ઇચ્છતો હતો કે હર્ષવર્ધન એવી ફિલ્મથી શરૂઆત કરે, જે કોમર્શિયલ હોય, પરંતુ તમામ દાવ અવળા પડ્યા. શરૂઆત બગડતાં હર્ષવર્ધનની સફર મુશ્કેલ બની ગઇ.

visit_ sambhaavnews.com

You might also like